ચોર હાથ સાથે બાંધેલી બૅગ લઈને નાસી ગયો

14 May, 2022 09:11 AM IST  |  Mumbai | Mehul Jethva

આબુથી ટ્રેનમાં મુંબઈ આવી રહેલાં ગુજરાતી મહિલાની આ બૅગમાં મંગળસૂત્ર, મોબાઇલ, બુટ્ટી અને ૧૨,૦૦૦ રૂપિયાની રોકડ મળીને કુલ ૧.૮૦ લાખ રૂપિયાની માલમતા હતી

પ્રતીકાત્મક તસવીર

ભાઈંદરમાં રહેતાં ગુજરાતી મહિલા પ્રેમલતા જોશી પરિવાર સાથે આબુ રોડ સ્ટેશનથી મુંબઈ પાછાં આવી રહ્યાં હતાં ત્યારે અમદાવાદ ગયા પછી ટ્રેન એક સિગ્નલ પર ઊભી હતી. એ વખતે એક ચોર ટ્રેનના ડબ્બામાં ચડ્યો હતો. તે પ્રેમલતાબહેનને સૂતાં જોઈને તેમના હાથ સાથે બાંધેલી બૅગ ઝટકો મારી લઈને નાસી ગયો હતો. આ ઘટનામાં તેમને હાથ પર માર લાગ્યો હતો. ચોર બધી તૈયારી સાથે આવ્યો હતો. પોલીસ અધિકારીઓ સુરક્ષા માટે ટ્રેનમાં ન હોવાથી ચોરે બિન્દાસ ચોરી કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. આ ઘટનાની ફરિયાદ બોરીવલી રેલવે પોલીસે નોંધીને તપાસ અમદાવાદ રેલવે પોલીસને સોંપી છે.
ભાઈંદર-ઈસ્ટમાં ક્રિશ ગાર્ડન પાસે વાલચંદ અપાર્ટમેન્ટમાં રહેતાં ૫૯ વર્ષનાં પ્રેમલતા જોશીએ કરેલી ફરિયાદ અનુસાર તેઓ ૧૧ મેએ રાતે આબુ રોડ સ્ટેશન પરથી મુંબઈ આવવા માટે બિકાનેર એક્સપ્રેસમાં એસ-૧ ડબામાં પ્રવાસ કરી રહ્યાં હતાં. એ દરમ્યાન સવારે પાંચ વાગ્યે અમદાવાદ સ્ટેશન પરથી ટ્રેન શરૂ થઈને થોડી આગળ જઈ એક સિગ્નલ આવતાં ઊભી રહી હતી. ત્યારે એક ચોર તેમની બાજુમાં આવ્યો હતો અને તેમના હાથમાં રાખેલી બૅગ જોરથી ખેંચી ટ્રેનમાંથી ઊતરીને નાસી ગયો હતો. ચોરી થયેલી બૅગમાં મંગળસૂત્ર, બુટ્ટી, મોબાઇલ અને ૧૨,૦૦૦ રૂપિયાની રોકડ મળી કુલ ૧.૮૦ લાખ રૂપિયાની માલમતા ચોરાઈ હતી. આ ઘટનામાં તેમના હાથમાં લાગ્યું હોવા છતાં તેઓ પોલીસની શોધમાં ટ્રેનમાં ફર્યાં હતાં, પણ તેમને એક પણ પોલીસ મળ્યો નહોતો. અંતે તેમણે બોરીવલી રેલવે સ્ટેશન પર આવીને ફરિયાદ નોંધાવી હતી.
પ્રેમલતાબહેનના પુત્ર સાગર જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટના બની ત્યારે વહેલી સવાર હતી અને બધા સૂતા હતા. તેણે મજબૂત રીતે હાથ સાથે બાંધી રાખેલી બૅગ પૂરી તાકાતથી ખેંચી હતી જેને કારણે મારી મમ્મીના હાથમાં ઈજા થઈ હતી. આ ઘટના પોલીસની બેદરકારીથી થઈ છે. જો પેલી બૅગ મારી મમ્મીના હાથમાંથી ન નીકળત તો કદાચ તે હાથ પર વાર પણ કરીને બૅગ લઈ જાત.’
બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે ફરિયાદ નોંધી તપાસ અમદાવાદ રેલવે પોલીસને આપી છે અને તેઓ આ કેસ પર કામ કરી રહ્યા છે.

Mumbai mumbai news mehul jethva