મહારાષ્ટ્રમાં માવઠાનું સંકટ આજે પણ ખરું, મુંબઈમાં ગ્રીન અલર્ટ

19 March, 2026 07:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાત જિલ્લાઓમાં આ‍ૅરેન્જ અલર્ટ, પચીસથી પચાસ ગ્રામ વજનના કરાથી ખેતરો ભરાઈ ગયાં

પ્રતીકાત્મક તસવીર

સતત બીજા દિવસે કમોસમી વરસાદે મહારાષ્ટ્રમાં દેખા દીધી હતી. લાતુર જિલ્લામાં ગાજવીજ અને જોરદાર પવન સાથે કરા પડવાથી ઊભા અને કાપેલા પાકને અસર થઈ હતી. ખેડૂતોના જણાવવા મુજબ પચીસથી પચાસ ગ્રામ વજનના મોટા-મોટા બરફના કરા પડવાથી ખેતરો ભરાઈ ગયાં હતાં. પુણેમાં ગાજવીજ સાથે વરસાદનાં ભારે ઝાપટાં પડ્યાં હતાં. એને લીધે અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. સાતારા અને બારામતી જિલ્લાઓમાં પણ માવઠાએ ખેતીની મજા બગડી હતી.

હાલમાં ઘઉં, ચણા અને જુવાર જેવા રવિ પાકની લણણીનો સમય ચાલી રહ્યો છે. આ ઉપરાંત ખેતરોમાં કેરી, તરબૂચ, કેળાં અને વિવિધ શાકભાજીના તૈયાર પાકને કમોસમી વરસાદને લીધે મોટું નુકસાન પહોંચ્યું છે. હજી ચોવીસ કલાક વિદર્ભ, મરાઠવાડા, નાશિક માટે જોખમી છે. હવામાન ખાતાની આગાહી મુજબ નાશિક અને બીડ સહિત ૭ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા હોવાથી ઑરેન્જ અલર્ટ આપવામાં આવી છે. બાકી મોટા ભાગના જિલ્લાઓમાં આજે પણ યલો અલર્ટ યથાવત્ રહેશે.

મુંબઈ, થાણે અને પાલઘરમાં આજે સવારે સામાન્ય વરસાદ પડી શકે છે. મુંબઈમાં માવઠાની શક્યતા નહીંવત્ છે અને ગરમીનું પ્રમાણ પણ ઓછું થયું છે. બે દિવસથી મુંબઈનું મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી આસપાસ રહ્યું છે, જ્યારે લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે.

mumbai news mumbai Weather Update mumbai weather indian meteorological department mumbai rains