07 May, 2026 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર ટિકિટબારીઓની લાંબી કતારો ઘટાડવા માટે શરૂ કરવામાં આવેલી UTS એટલે કે અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ નામની મોબાઇલ ઍપની સહાયક યોજના હિટ સાબિત થઈ છે. સેન્ટ્રલ રેલવે દ્વારા શરૂ કરાયેલા આ પ્રયોગ હેઠળ માત્ર છ મહિનામાં ૫.૪૦ લાખ મુસાફરોને ટિકિટ આપવામાં આવી છે, જેનાથી રેલવેને ૬.૮૯ કરોડ રૂપિયાની આવક થઈ છે.
UTS સહાયકો સ્ટેશનના હૉલ અને અન્ય પરિસરમાં હરતા-ફરતા જોવા મળે છે. તેમની પાસે મોબાઇલ ફોન અને પોર્ટેબલ ટિકિટ પ્રિન્ટિંગ મશીન હોય છે, જેનાથી તેઓ સ્થળ પર જ ટિકિટ ઇશ્યુ કરી આપે છે. મુસાફરો કૅશ અથવા ડિજિટલ પેમેન્ટ દ્વારા ટિકિટનાં નાણાં ચૂકવી શકે છે.
ગયા ઑક્ટોબર ૨૦૨૫માં માત્ર ૩ સહાયકોથી શરૂ થયેલી આ સેવા મુસાફરોનો ધસારો જોતાં જાન્યુઆરી ૨૦૨૬માં વધારીને ૮ કરી દેવામાં આવી છે. રેલવેના આંકડા મુજબ એપ્રિલ ૨૦૨૬ના એક જ મહિનામાં ૧.૭૨ લાખ જેટલા મુસાફરોએ આ સેવાનો લાભ લીધો હતો. આ સુવિધાને કારણે ખાસ કરીને ઉનાળુ વેકેશનના ધસારા દરમ્યાન મુસાફરોનો ઘણો સમય બચી રહ્યો છે.