26 December, 2025 09:14 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
બાલેવાડી-વાકડ બ્રિજ
પુણેમાં મૂળા નદી પર બનેલા બાલેવાડી-વાકડ બ્રિજનું કામ ૬ વર્ષ પછી પણ પૂરું ન થઈ રહ્યું હોવાથી હવે એ ‘બ્રિજ ટુ નોવેર’ તરીકે જાણીતો બની રહ્યો છે. ૩૦ મીટર પહોળો અને ૧૭૫ મીટર લાંબો આ બ્રિજ ૩૧ કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યો હતો. જોકે બાલેવાડી તરફ જમીન સંપાદન કરવામાં અનેક અડચણો આવી હોવાથી પુલનું કામ અટકી ગયું છે. ૨૦૦ મીટરનો આ પૅચ તૈયાર ન થઈ રહ્યો હોવાને કારણે લોકોએ ૭ કિલોમીટર લાંબું ચક્કર લગાવીને જવું પડે છે. પુણે કૉર્પોરેશને તો હમણાં વપરાશમાં ન હોવાને કારણે આ બ્રિજને મોટી ટ્રકોના પાર્કિંગ માટે વાપરવાની છૂટ આપી દીધી છે. આ બ્રિજનું કામ પૂરું ન થતું હોવાથી લોકોએ ૭ કિલોમીટર ફરીને જવું પડે છે અને ૪૦થી ૪૫ મિનિટ વધુ ટ્રાવેલ કરવું પડે છે.
બૉમ્બે હાઈ કોર્ટે પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (PMC)ને બે મહિનાની અંદર બધી ફૉર્માલિટીઝ પૂરી કરીને પ્રોજેક્ટ પૂરો કરવા માટે પચીસ કરોડ રૂપિયા અલગ રાખવાનો આદેશ આપ્યો હતો. એ પછી આ વર્ષે એપ્રિલમાં PMCએ ડિસેમ્બર સુધી બ્રિજનું કામ પૂરું કરી દેવામાં આવશે એવું ઍફિડેવિટ સબમિટ કર્યું હતું. જોકે અહેવાલોમાં મળતી માહિતી પ્રમાણે ડિસેમ્બર પૂરો થવા આવ્યો હોવા છતાં આ બ્રિજનું અધૂરું કામ આગળ નથી વધ્યું.