07 May, 2026 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેસ્ટર્ન રેલવેની મહિલા સ્ટાફે મહિલા મુસાફરોને ગુલાબ આપ્યાં હતાં.
મુંબઈની મહિલા મુસાફરોની માનીતી અને વર્લ્ડની સૌથી પહેલી લેડીઝ સ્પેશ્યલ ટ્રેન-સર્વિસને પાંચ મેએ ૩૪ વર્ષ પૂરાં થયાં હતાં. આ માઇલસ્ટોનની ઉજવણી કરવા માટે વેસ્ટર્ન રેલવેએ મહિલા પ્રવાસીઓનું ગુલાબનાં ફૂલ આપીને અનોખું સન્માન કર્યું હતું.
પાંચ મેએ ચર્ચગેટ સ્ટેશનથી સાંજે ૫.૩૯ વાગ્યે ઊપડતી બોરીવલી લેડીઝ સ્પેશ્યલ ટ્રેનમાં આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેની મહિલા કર્મચારીઓએ ટ્રેનમાં સવાર મહિલા પ્રવાસીઓનું ગુલાબ આપીને સ્વાગત કર્યું હતું. રેલવેના આ સન્માનથી મહિલા મુસાફરોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. અનેક મહિલાઓએ રેલવે સ્ટાફ સાથે સેલ્ફી લઈને આ ક્ષણને યાદગાર બનાવી હતી.
વિશ્વની આ પ્રથમ સંપૂર્ણ મહિલા સ્પેશ્યલ ટ્રેનની શરૂઆત ૧૯૯૨ની પાંચમી મેએ કરવામાં આવી હતી. કેન્દ્રના તત્કાલીન રેલવે મિનિસ્ટર રામ નાઈકના હસ્તે આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સર્વિસ ચર્ચગેટ અને બોરીવલી વચ્ચે ચલાવવામાં આવતી હતી, જેને સારો પ્રતિસાદ મળતાં ૧૯૯૩માં વિરાર સુધી લંબાવવામાં આવી હતી. આજે વેસ્ટર્ન રેલવેમાં દિવસની ૧૦ લેડીઝ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવે છે.