સેવાના નામે હાથસફાઈ?

20 October, 2021 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગિરગામમાં રહેતા ગુજરાતી સિનિયર સિટિઝનની સેવા કરવા માટે રાખવામાં આવેલા નોકરની તેમના જ ઘરમાંથી સોનાની ચાર બંગડી ચોરવાના આરોપસર ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

ગિરગામ વિસ્તારમાં રહેતા એક ગુજરાતી પરિવારમાં સિનિયર સિટિઝનની સેવા માટે એક નોકર રાખ્યો હતો. એ નોકરે માલિકની સેવા તો કરી જ, પણ સાથે તેમના કબાટમાં પડેલી સોનાની ચાર બંગડીઓ પણ ચોરી કરી હતી. વીપી રોડ પોલીસે ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે નોકરની પણ ધરપકડ કરી હતી. જોકે છેલ્લા ચાર દિવસથી તેની પૂછપરછ કરવા છતાં તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો નહોતો.
ગિરગામ વિસ્તારમાં વીપી રોડ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા પારસી નગર-એકમાં રહેતા ફરિયાદી ચંદ્રકાત શાહે પોલીસને જણાવ્યું હતું કે ‘પારસી નગર-બેમાં તેમનાં માતા-પિતા રહે છે. બન્ને સિનિયર સિટિઝન હોવાથી ઘરનાં કામ માટે અમે વિશ્વેશ્વર યાદવ નામનો નોકર રાખ્યો છે. ૧૪ ઑક્ટોબરે મારી માતાએ કબાટમાં પડેલી બંગડીઓ પહેરવા કાઢી હતી. ત્યાર પછી એ જ દિવસે પાછી મૂકી દીધી હતી. એ સમયે નોકર વિશ્વેશ્વરનું ધ્યાન બંગડી પર જ હતું. બીજા દિવસે સાંજના મમ્મીએ બંગડી પહેરવા કબાટ ખોલ્યું હતું, પરંતુ બંગડી ત્યાંથી ગાયબ થઈ હોવાની મમ્મીને ખબર પડી હતી. ત્યાર પછી આખા ઘરમાં શોધતાં બંગડીઓ ક્યાંય જડી નહોતી. જ્યારે બંગડીઓ કાઢી અને મૂકી હતી ત્યારે નોકર વિશ્વેશ્વરે એના પર નજર રાખી હતી. બંગડી બાબતે વિશ્વેશ્વરને પૂછપરછ કરતાં તેણે બંગડી જોઈ જ નથી એવું અમને જણાવ્યું હતું. એ પછી વીપી રોડ પોલીસ સ્ટેશનમાં બંગડી ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.’
વીપી રોડ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી શિવાજી બોરશેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ કેસમાં અમે ફરિયાદીના કહેવા પર તેના નોકરની પણ ધરપકડ કરી છે. જોકે નોકરનું કહેવું છે કે તેણે ચોરી કરી જ નથી. બીજી બાજુ ફરિયાદીનું એવું કહેવું છે કે જ્યારે બંગડીઓ ગાયબ થઈ એ દરમ્યાન નોકર સિવાય બીજું કોઈ ઘરમાં આવ્યું જ નથી તો બંગડી જાય ક્યાં? વધુ તપાસ ચાલી રહી છે.’ 

Mumbai mumbai news girgaon