03 November, 2026 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વસઈ-વેસ્ટનાં બે અલગ-અલગ ઘરમાંથી ૧૨.૪૯ લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના, હીરા અને રોકડ રકમની ચોરી કરવાના આરોપમાં વસઈ પોલીસે ૪૧ વર્ષની હાઉસહેલ્પ વંદના ઘરતની ધરપકડ કરી છે. વસઈના સાનેવાડા ખાતે રહેતાં પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રિયા રાણેના ઘરમાંથી ૧.૩૪ લાખ રૂપિયાના દાગીના અને રોકડ ચોરી કરતી વખતે તેને રંગેહાથ પકડી પાડવામાં આવી હતી. ત્યાર બાદ તપાસ દરમ્યાન એ જ વિસ્તારના પાપડી તળાવ સામે રહેતાં પ્રાચી ઠાકુરના ઘરમાંથી જુલાઈથી ઑક્ટોબર દરમ્યાન થયેલી ૧૧.૧૫ લાખ રૂપિયાના સોના-હીરાના દાગીનાની મોટી ચોરીનો પણ ભેદ ઉકેલાયો હતો.
ક્યાં, કેટલી તફડંચી? કેવી રીતે પકડાઈ?
વસઈ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રિયા રાણે અને તેનો પતિ બન્ને નોકરી કરતાં હોવાથી તેમણે પાંચમી ઑક્ટોબરે વસઈના રાનગાવ વિસ્તારની રહેવાસી વંદના ઘરતને ઘરકામ માટે રાખી હતી. ૨૮ ઑક્ટોબરે સવારે પ્રિયા કામ પર ગયા બાદ પોલીસ-સ્ટેશનના અમુક પેપર ભૂલી જતાં સવારે ૧૧.૩૦ વાગ્યે અચાનક ઘરે પાછાં આવ્યાં ત્યારે બિલ્ડિંગના ગેટ પાસે વંદનાના હાથમાં તેમનાં ચાંદીનાં ઝાંઝર (પાયલ) જોવા મળ્યાં હતાં. શંકા જતાં ઘરમાં તપાસ કરતાં અગાઉ ગાયબ થયેલી ૪૦,૦૦૦ રૂપિયાની રોકડ અને સોના-ચાંદીની રિંગ તથા દાગીના સહિત કુલ ૧,૩૪,૧૦૦ રૂપિયાના મુદ્દામાલની ચોરી વંદનાએ જ કરી હોવાનું સ્પષ્ટ થતાં તેને પકડીને અમને સોંપવામાં આવી હતી. આ દરમ્યાન પાપડી તળાવ સામે વિનોદિની અપાર્ટમેન્ટમાં રહેતાં પ્રાચી ઠાકુરના ઘરે પણ વંદના સાફસફાઈ માટે જતી હતી ત્યારે તેણે કબાટની તિજોરીની ચાવી શોધી કાઢીને સમયાંતરે ડાયમન્ડ નેકલેસ, સોનાની બંગડીઓ, ગોલ્ડ કૉઇન અને મંગળસૂત્ર સહિત કુલ ૧૧,૧૫,૦૦૦ રૂપિયાના દાગીના કબાટમાંથી બારોબાર ચોરી લીધા હોવાની માહિતી સામે આવી છે. બન્ને કેસમાં આરોપી હાઉસહેલ્પ વંદના ઘરતની વિધિવત્ ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી ચોરી થયેલા કુલ મુદ્દામાલમાંથી લગભગ પચાસ ટકા જેટલા દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે. પૂછપરછમાં ખુલાસો થયો છે કે તે આ બન્ને ઘર સિવાય અન્ય ૪ જગ્યાએ ઘરકામ કરતી હતી એટલે તે લોકોને પણ પોલીસ-સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા છે અને આરોપી મહિલાએ તેમનાં ઘરોમાં પણ આવી કોઈ ચોરી કરી છે કે કેમ એ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.’