22 March, 2025 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે
દિશા સાલિયનના પિતાએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરીને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે અને કિશોરી પેડણેકર પર ગંભીર આરોપ કરવાની સાથે તેમની સામે FIR નોંધીને ધરપકડ કરવાની માગણી કરી છે ત્યારે આ વિશે ગઈ કાલે વિધાનભવનના પરિસરમાં પત્રકારોએ સવાલ કર્યો હતો ત્યારે વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે ‘પાંચ વર્ષથી મારી બદનામી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ બાબતે હું કોર્ટમાં જવાબ આપીશ.’
આ કેસ વિશે વિધાનભવનના પરિસરમાં જ ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોને કહ્યું હતું કે ‘આ મામલો કોર્ટમાં છે. અમારા કુટુંબની સાત પેઢી જનતા સમક્ષ છે. આથી અમારી પરના આરોપમાં દૂર-દૂર સુધી કોઈ તથ્ય નથી. રાજકારણને જુદી દિશામાં લઈ જવામાં આવશે તો બધાની જ પંચાત થશે. ખોટાને ખરું કરવાનો પ્રયાસ હશે તો આ મામલો બૂમરૅન્ગ થઈ શકે છે.’
પહેલાં ધરપકડ અને પછી તપાસ થવી જોઈએ : નીતેશ રાણે
ભારતીય જનતા પાર્ટીના કણકવલીના વિધાનસભ્ય અને રાજ્યના કૅબિનેટ પ્રધાન નીતેશ રાણેએ આ સંબંધે કહ્યું હતું કે ‘કોઈ બહેન કે મહિલા પર અત્યાચાર થયો હોય તો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આરોપીની પહેલાં ધરપકડ કરવી જોઈએ અને ત્યાર બાદ તપાસ થવી જોઈએ. આ કેસમાં પણ અમારી એ જ માગણી છે. દિશા સાલિયનના પિતાએ જેમનાં નામ પિટિશનમાં લીધાં છે તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ. અમે જ્યારે દિશા સાલિયનની હત્યામાં આદિત્ય ઠાકરે અને તેમની સાથેની વ્યક્તિઓની તપાસ કરવાની માગણી કરી હતી ત્યારે આદિત્ય અને ઉદ્ધવ ઠાકરેએ અમને ખોટા ઠેરવ્યા હતા. હવે સતીશ સાલિયને બૉમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં આ લોકોનાં નામ લીધાં છે ત્યારે કોર્ટમાં સતીશ સાલિયન ખોટા હોવાનું કહેશો? આદિત્ય ઠાકરે વિધાનસભ્ય છે એટલે તે કોર્ટ પર દબાવ લાવી શકે છે એટલે તેણે નૈતિકતાથી રાજીનામું આપવું જોઈએ. દિશા સાલિયનની હત્યા કરવામાં આવી હતી ત્યારે પોતે ક્યાં હતા એ આદિત્ય ઠાકરેએ કહેવું જોઈએ. દિશાના મૃત્યુ બાદ ઉદ્ધવ ઠાકરેએ મારા પિતા નારાયણ રાણેને ફોન કરીને કહ્યું હતું કે તમને પણ બે પુત્ર છે, મને પણ બે દીકરા છે; બચાવી લો.’