21 April, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમીત સાટમ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના પ્રમુખ અને વિધાનસભ્ય અમીત સાટમના મતવિસ્તારમાં કૉર્પોરેટરોને ફન્ડનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની વાત પ્રકાશમાં આવી હતી. એવી ચર્ચા હતી કે ફક્ત અમીત સાટમના મતવિસ્તારમાં જ ફન્ડનું વિતરણ થવાને કારણે BJPમાંથી જ નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી. એ પછી હવે અમીત સાટમે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રભાકર શિંદેને પત્ર લખીને ભંડોળની ફાળવણીમાં સંતુલન જાળવવા અંગે નિવેદન રજૂ કર્યું હતું. અમીત સાટમે પોતે આ વિશે માહિતી આપી છે.
અમીત સાટમે પત્રમાં શું કહ્યું?
અમીત સાટમે એ પત્ર બાબતે જણાવ્યું હતું કે ‘મેં વિનંતી કરી છે કે અંધેરી-વેસ્ટ વિધાનસભા મતવિસ્તારના કેટલાક કૉર્પોરેટરોને આપવામાં આવેલા વધારાના ભંડોળને રદ કરવામાં આવે અને તમામ કૉર્પોરેટરો વચ્ચે ભંડોળનું સંતુલિત અને ન્યાયી વિતરણ કરવામાં આવે. આ બાબત મારા ધ્યાનમાં આવ્યા પછી મેં યોગ્ય માધ્યમો દ્વારા યોગ્ય પગલાં લેવા માટે કાર્યવાહી કરી હતી. અમે જાહેર ભંડોળના વિતરણમાં પારદર્શિતા, જવાબદારી અને ન્યાયીપણાના સિદ્ધાંતો જાળવવા માટે પ્રયત્નશીલ છીએ.’