કેતનને ધક્કો કોણે માર્યો એનો કોઈ પુરાવો નથી એટલે પોલીસે સિયાની લાઇ-ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની પરવાનગી માગી

03 July, 2026 07:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટ પરવાનગી આપે પછી સિયાની મંજૂરી પણ લેવી પડશે

કેતન અગ્રવાલ, સિયા ગોયલ, ચેતન ચૌધરી

પુણેના બિઝનેસમૅન કેતન અગ્રવાલની પુણે નજીકના લોહગડ કિલ્લા પરથી ખીણમાં ફગાવીને કરાયેલી હત્યાના કેસની તપાસ અંતર્ગત પુણે ગ્રામીણ પોલીસે ગઈ કાલે કોર્ટમાં અરજી કરીને કેતન અગ્રવાલના હત્યાકેસની મુખ્ય આરોપી સિયા ગોયલ પર પૉલિગ્રાફ ટેસ્ટ એટલે કે લાઇ-ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની પરવાનગી માગી હતી. પોલીસે જણાવ્યું હતું કે કેતનને ખીણમાં કોણે ધકેલી દીધો હતો એ પ્રસ્થાપિત કરવા માટે હજી સુધી કોઈ આઇ-વિટનેસ કે ચોક્કસ પુરાવા મળ્યા નથી.

પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીનાં સ્ટેટમેન્ટ્સ પહેલાં જ નોંધવામાં આવ્યાં છે, પરંતુ તપાસને આગળ વધારવા માટે લાઇ-ડિટેક્ટર ટેસ્ટની જરૂર છે. પોલીસે કહ્યું કે આ ટેસ્ટ તેમને કેસમાં નવી કડીઓ શોધવામાં મદદ કરી શકે છે.

આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં સિયા ગોયલના વકીલે જણાવ્યું હતું કે તપાસ-એજન્સીએ પરવાનગી માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ ઉમેર્યું હતું કે આવી ટેસ્ટ કરતાં પહેલાં ઘણી કાનૂની અને  ટેક્નિકલ પ્રોસેસ પૂરી કરવી જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પૉલિગ્રાફ ટેસ્ટ માટે આરોપીની સંમતિ ફરજિયાત છે.

પ્રાથમિક અથવા સાંયોગિક પુરાવા મર્યાદિત હોય એવા કિસ્સાઓમાં પૉલિગ્રાફ ટેસ્ટની વિનંતી ઘણી વાર કરવામાં આવે છે. જોકે એનાં તારણોને કોર્ટમાં મુખ્ય પુરાવા તરીકે ગણવામાં આવતાં નથી અને સામાન્ય રીતે એનો ઉપયોગ ફક્ત તપાસ દરમ્યાન તપાસકર્તાઓને લીડ્સ વિકસાવવામાં મદદ કરવા માટે થાય છે.

આ કેસ સાંયોગિક અને ટેક્નિકલ પુરાવા પર ટકેલો છે. જોકે એમાં આવેલી મુશ્કેલીઓને લીધે જ પોલીસે હવે સિયાની પૉલિગ્રાફ ટેસ્ટ કરાવવાની માગણી કરી છે. 

પોલીસની કાર્યવાહીને પગલે ટૂરિસ્ટો માટે લોહગડ કિલ્લો ટેમ્પરરી બંધ કરવામાં આવ્યો

કેતન અગ્રવાલ મર્ડરકેસ બાદ લોનાવલા નજીકના લોહગડ કિલ્લા પર આવતા સહેલાણીઓની સંખ્યામાં વધારો થયો હતો અને તેઓ એ ચોક્કસ સ્પૉટ જ્યાંથી કેતનને ખીણમાં ધક્કો મારી દેવાયો હતો એ સિયા પૉઇન્ટ જોવા ધસારો કરી રહ્યા હતા. હવે આ કેસની તપાસ કરી રહેલી લોનાવલા ગ્રામીણ પોલીસે લોહગડ પર હાલ ચાલી રહેલી કેસની તપાસમાં ખલેલ ન પહોંચે એ માટે સહેલાણીઓની એન્ટ્રી પર ટેમ્પરરી બંધી મૂકી દીધી છે. એવું કહેવાઈ રહ્યું છે કે લોનાવલા ગ્રામીણ પોલીસે જે રીતે સિયાને સ્પૉટ પર લઈ જઈને ૧૮ જૂને કેતનની હત્યા કઈ રીતે કરાઈ એનો ક્રાઇમ-સીન રીક્રીએટ કર્યો હતો એ જ રીતે હવે કેસના બીજા આરોપી ચેતન ચૌધરીને પણ સ્પૉટ પર લઈ જઈને સીન રીક્રીએટ કરવાનો હોવાથી લોહગડ સહેલાણીઓ માટે ટેમ્પરરી બંધ રખાયો હતો. સિયાને લઈ જઈને ક્રાઇમ-સીન રીક્રીએટ કરાયો એ વખતે પણ સહેલાણીઓની એન્ટ્રી બંધ રાખવામાં આવી હતી.

કેતન અગ્રવાલની બહેનનાં લગ્ન સાહિલ સાથે થવાનાં હતાં 

કેતન અગ્રવાલ મર્ડરકેસમાં હવે નવી માહિતી બહાર આવી રહી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર કેતનનાં સિયા ગોયલ સાથે લગ્ન નક્કી થયા બાદ કેતનની બહેનનાં લગ્ન સિયાનાં ભાઈ સાહિલ સાથે કરવાનું બન્ને પરિવારોએ નક્કી કર્યું હતું. પહેલાં સિયા અને કેતનનાં લગ્ન કરવાં અને ત્યાર બાદ સાહિલ અને કેતનની બહેનનાં લગ્ન કરવાં એવું બન્ને પરિવાર વચ્ચે નક્કી થયું હતું. એટલું જ નહીં, કેતન અને સિયા પ્રી-વેડિંગ શૂટ માટે ૬ જૂને બાલી જવાનાં હતાં ત્યારે સાહિલ અને કેતનની બહેન પણ તેમની સાથે બાલી જવાનાં હતાં અને પ્રી-વેડિંગ શૂટ કરાવવાનાં હતાં એવું સૂત્રોએ જણાવ્યું હતું.

કેતન અગ્રવાલ વિશે અણછાજતી કમેન્ટ કરનાર મહિલા ડેન્ટિસ્ટને અસોસિએશને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી

ડૉ. મુસ્કાન સોનીએ કમેન્ટ કરી હતી કે કેતન અગ્રવાલને વાળ જ નહોતા, જો આવું જૂઠું બોલશો તો મરશો જને

ડૉ. મુસ્કાન સોનીએ બીજો વિડિયો પોસ્ટ કરી માફી માગી

પોતાની સોશ્યલ મીડિયાની પોસ્ટથી વિવાદ થતાં અને અસોસિએશને સસ્પેન્ડ કરી દીધા બાદ ડૉ. મુસ્કાન સોનીએ બીજો માફી માગતો વિડિયો પોસ્ટ કર્યો છે. એમાં તેણે કહ્યું છે કે ‘આ બાબતે હું માફી માગું છું અને કોઈનું પણ અપમાન કરવાનો મારો ઇરાદો નહોતો. જો કોઈને મારી કમેન્ટથી દુઃખ થયું હોય તો માફી માગું છું.’ 
હૅશટૅગ (આઇ હેટ મૅન) પણ હટાવી લેવાની તૈયારી દર્શાવતાં ડૉ. મુસ્કાન સોનીએ કહ્યું હતું કે ‘એ હૅશટૅગ મેં મારા વ્યક્તિગત અનુભવોના આધારે બનાવ્યો હતો. એને લઈને આખી પુરુષજાતને વગોવવાનો મારો ઇરાદો નહોતો.’ 

કેતન અગ્રવાલની હત્યાના ચકચારભર્યા કેસમાં સોશ્યલ મીડિયા પર અણછાજતી કમેન્ટ કરવા બદલ ઑલ ઇન્ડિયા ડેન્ટલ સ્ટુડ્ન્ટસ ઍન્ડ સર્જ્યન્સ અસોસિએશન (AIDSA)એ એના મધ્ય પ્રદેશ યુનિટની ખજાનચી અને મેમ્બર ડૉ. મુસ્કાન સોનીને અસોસિએશનમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધી છે. એ માટે અસોસિએશન તરફથી કહેવાયું છે કે ડૉ. મુસ્કાન સોનીએ અસોસિએશનના બંધારણ, કોડ ઑફ કન્ડક્ટ અને એથિકલ વૅલ્યુનો ભંગ કર્યો હોવાથી તેને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. ડૉ. મુસ્કાને કેતનની હત્યાના ન્યુઝ વાઇરલ થયા બાદ સોશ્યલ મીડિયા પર આઇ હેટ મૅન એવા હૅશટૅગ સાથે વિડિયો અપલોડ કરીને કહ્યું હતું કે ‘કહેવાય છે કે કેતન અગ્રવાલને વાળ જ નહોતા. જો આવું જૂઠું બોલે તો મરશે જને. બે માણસો શું મરી ગયા, બધા જ પુરુષો ફફડી ઊઠ્યા છે.’

murder case pune maharashtra government maharashtra news maharashtra Crime News mumbai crime news