દયા ડાકણને ખાય

29 June, 2022 08:03 AM IST  |  Mumbai | Mehul Jethva

વિલે પાર્લેના ગુજરાતી વકીલને દયા કરવાનું બહુ ભારે પડ્યું : ઘરમાં રાખેલા બે ગુજરાતીએ તેમના ૨.૧૩ લાખ રૂપિયાના શૅર પોતાના અકાઉન્ટમાં સેરવી લીધા

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

મુંબઈ : વિલે પાર્લેમાં રહેતા સિનિયર સિટિઝન ગુજરાતી ઍડ્વોકેટે રહેવા માટે કોઈ જગ્યા ન હોવાથી બે લોકોને પોતાના ઘરે રાખ્યા હતા. તેમણે સિનિયર સિટિઝનનો વિશ્વાસ જીતી તેમના ઘરેથી ચેકબુક સાથે અન્ય કેવાયસી ડૉક્યુમેન્ટ ચોરીને આશરે ૨.૧૩ લાખ રૂપિયાના શૅર પોતાના અકાઉન્ટમાં સેરવી લીધા હતા. એક કંપનીનું ડિવિડન્ડ ઓછું મળ્યું એ પછી વધુ તપાસ કરતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. વિલે પાર્લે પોલીસે ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. વિલે પાર્લેમાં પી. એમ. રોડ પરની એક સોસાયટીમાં રહેતા ૭૩ વર્ષના પ્રદીપ ભુતાએ કરેલી ફરિયાદ અનુસાર ૨૦૧૪માં જિતેન્દ્ર પટેલ અને અરવિંદ ગાલા સાથે તેમની ઓળખ થઈ હતી. તેઓ બંને એકલા રહેતા હોવાથી પ્રદીપભાઈને તેમની સાથે રાખવા માટે તેમણે વિનંતી કરી હતી. બંને પર દયા આવતાં પ્રદીપભાઈએ તેમને પોતાની સાથે રાખ્યા હતા. એ દરમ્યાન ૨૦૧૯માં અરવિંદે કેવાયસી અપડેટ કરવાના બહાને ડીમૅટ અકાઉન્ટના ફૉર્મ પર પ્રદીપભાઈની સહી લીધી હતી. ૨૦૨૧માં એસઆરએફ કંપનીએ પોતાના તમામ ગ્રાહકોને ડિવિડન્ડ આપ્યું હતું. ફરિયાદી પાસે એ કંપનીના ૧૬૧ શૅર હતા, પણ તેમને માત્ર ૧૧ શૅરનું ડિવિડન્ડ મળ્યું હતું જેની માહિતી કઢાવતાં બીજા શૅરો ટ્રાન્સફર થયા હોવાની તેમને જાણ થઈ હતી. એ પછી વધુ તપાસ કરતાં આશરે ૨૩ કંપનીના શૅર અરવિંદ અને જિતેન્દ્રએ તેમની મંજૂરી વગર ટ્રાન્સફર કર્યા હતા જેમની કુલ કિંમત ૨.૧૩ લાખ રૂપિયા હતી. એ પછી તેમણે ઘટનાની ફરિયાદ વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
વિલે પાર્લે પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદીએ દયા ખાઈને બે લોકોને પોતાની સાથે રાખ્યા હતા. તેમણે ફરિયાદીના લૉકરમાંથી તેમની ચેકબુક અને કેવાયસી ડૉક્યુમેન્ટ સાથે અન્ય જરૂરી ડૉક્યુમેન્ટ ચોરી કરી ફરિયાદીના ડીમૅટ અકાઉન્ટનો રજિસ્ટર મોબાઇલ નંબર અને ઈ-મેઇલ આઇડી બદલી ગિફટ કરી પોતાના અકાઉન્ટમાં આશરે ૨૩ કંપનીના શૅર ટ્રાન્સફર કરી લીધા હતા, જેમની કુલ કિંમત હાલમાં ૨.૧૩ લાખ રૂપિયા છે. આરોપીઓની અમે શોધ કરી રહ્યા છીએ.’ ઍડ્વોકેટ પ્રદીપભાઈ ભુતાનો ‘મિડ-ડે’એ સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે ‘મેં મારી ફરિયાદ પોલીસને લખાવી છે. મારા કેસમાં અન્ય લોકો પણ સામેલ હોય એવી શક્યતાઓ જણાઈ રહી છે.’

mumbai mumbai news vile parle Crime News