25 October, 2025 08:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉક્ટર દંપતીના ઘરેથી ચોરાયેલો ડૉગી મૅક
થાણેના કોલશેત વિસ્તારમાં આવેલી લોઢા અમારા સોસાયટીમાં રહેતા ડૉક્ટર રોહન દુબ્બલના ઘરનું લૉક તોડીને ચોરો આશરે ૨૦,૦૦૦ રૂપિયાની રોકડ અને ડૉક્ટર દંપતીએ પાળેલો લૅબ્રૅડૉર નસલનો ડૉગી ચોરી ગયા હોવાની ચોંકાવનારી ઘટના ગુરુવારે પ્રકાશમાં આવી હતી. આ મામલે કાપુરબાવડી પોલીસે કૂતરો અને પૈસા ચોરી થવાની ફરિયાદ નોંધીને સોસાયટીમાં લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીઓની તપાસ શરૂ કરી છે. ડૉક્ટર દંપતીના ઘરમાં બેડરૂમનું સેપરેટ લૉક હતું જે તોડવું ચોરોને મુશ્કેલ જણાતાં તેઓ કૂતરો ચોરી ગયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. આ ઘટના બાદ થાણેની સુરક્ષિત સોસાયટી ગણાતા લોઢા અમારાની સુરક્ષા પર પ્રશ્નો ઊભા થયા છે.
શું હતી ઘટના?
મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં પ્રૅક્ટિસ કરતા ડૉ. રોહન દુબ્બલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અને મારી પત્ની બન્ને ડૉક્ટર છીએ. અમે બન્ને શ્વાનપ્રેમી હોવાથી એક વર્ષ પહેલાં એક ડૉગીને દત્તક લઈને એનું નામ મૅક રાખ્યું હતું. સવારે હું અને મારી પત્ની હૉસ્પિટલમાં જઈએ ત્યારે મૅક ઘરે એકલો રહે એવી એને તાલીમ આપી હતી. મંગળવારે રોજિંદા ક્રમ અનુસાર હું મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં ગયો હતો, જ્યારે મારી પત્ની થાણેની જ્યુપિટર હૉસ્પિટલમાં ગઈ હતી. ત્યાર બાદ દિવાળી શૉપિંગ કરીને મારી પત્ની સાંજે ઘરે પાછી આવી ત્યારે તેણે ઘરનું લૉક તૂટેલું જોયું હતું. તેણે અંદર જઈને તપાસ કરતાં બેડરૂમ લૉક હતો, પણ હૉલમાં સોફા નજીક રાખેલા ૨૦,૦૦૦ રૂપિયાની રોકડ મળી નહોતી. ઉપરાંત મૅક પણ મળી આવ્યો નહોતો. ત્યાર બાદ અમે મૅકને આખી સોસાયટીમાં શોધ્યો હતો, પણ તે મળી આવ્યો નહોતો. બીજા દિવસે સોસાયટીમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં એક મહિલા અને એક પુરુષ મૅકને પોતાની સાથે લઈ જતાં દેખાયાં હતાં. અંતે એની પણ ચોરી થઈ હોવાની ખાતરી થતાં આ ઘટનાની ફરિયાદ અમે પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’
પૈસા કરતાં મૅકની ચિંતા
ડૉ. રોહન દુબ્બલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બન્નેએ મૅકની અમારા દીકરા જેવી સંભાળ લીધી હતી. છેલ્લા ૭ દિવસથી એને તાવ આવતો હોવાથી એની દવા ચાલુ હતી. ઍનિમલ ડૉક્ટરે એને સવાર-સાંજ ઍન્ટિ-બાયોટિક આપવા માટે કહેતાં અમે તેને બે દિવસથી એ આપી રહ્યા હતા. જોકે એમ છતાં એની તબિયત થોડી નાજુક હતી. જે લોકો એને લઈ ગયા છે તેમણે એની તબિયતની કાળજી નહીં લીધી હોય એટલે સતત અમને ચિંતા થઈ રહી છે. એ ગુમ થયો હોવાની પોસ્ટ સોશ્યલ મીડિયા પર નાખતાં કેટલાંક ફેક અકાઉન્ટ્સથી મૅકને જોયો હોવાનો મેસેજ મળતાં એની શોધમાં છેલ્લા બે દિવસમાં આખું મુંબઈ અમે શોધી કાઢ્યું છે, પણ એનો પત્તો લાગ્યો નથી.’
આરોપીઓની ઓળખ થઈ?
કાપુરબાવડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવીણ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોસાયટીના CCTV કૅમેરાનાં ફુટેજમાં આરોપીઓની ઓળખ થઈ છે. જોકે તેમનો પત્તો હજી લાગ્યો નથી. આ મામલે અમારી એક સેપરેટ ટીમ કામ કરી રહી છે. આ ઉપરાંત કૂતરાને વેચતા લોકો અને એના ડૉક્ટરો પાસેથી પણ ચોરાયેલા કૂતરા વિશે માહિતી મેળવવાનું કામ અમારી ટીમ કરી રહી છે.’