30 April, 2025 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈની નેરુળની એક સ્કૂલ-વૅનના ડ્રાઇવરે ચોથા ધોરણમાં ભણતા એક છોકરા સાથે કરેલા જાતીય અત્યાચારના પગલે હવે સફાળી જાગેલી નવી મુંબઈ પોલીસે સ્કૂલમાં અને વૅનમાં પણ બાળકોની સુરક્ષા જળવાઈ રહે એ માટે સ્કૂલોને થર્ડ પાર્ટી પાસે સેફ્ટી-ઑડિટ કરાવવાનો આદેશ આપ્યો છે. વળી આ સેફ્ટી-ઑડિટ તેમણે કરાવવું જ પડશે, એ ફરજિયાત રહેશે એમ નવી મુંબઈ પોલીસે તેમને જણાવ્યું છે.
સ્કૂલમાં બાળકોની સેફ્ટી જળવાઈ રહે એ માટે સ્કૂલ, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના પદાધિકારીઓની એક બેઠક નવી મુંબઈ પોલીસે સોમવારે બોલાવી હતી. આ બેઠક વિશે માહિતી આપતાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન-૧) પંકજ દહાણેએ કહ્યું હતું કે ‘આ બેઠકમાં ૧૪૯ સ્કૂલના પ્રિન્સિપાલ, હેડ-માસ્ટર અને મૅનેજમેન્ટના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકનો મુળ ઉદ્દેશ જ એ હતો કે કઈ રીતે સ્કૂલમાં બાળકોની સુરક્ષાને મજબૂત કરી શકાય, એ માટે શું પગલાં લઈ શકાય જેથી આવી ઘટના ફરી ન બને. આ બેઠકમાં ખાસ કરીને બાળકોનું શારીરિક શોષણ રોકવા સ્કૂલમાં હાલ સેફ્ટી અને સિક્યૉરિટીની શું વ્યવસ્થા છે એની જાણકારી મેળવવામાં આવી હતી. સ્કૂલ-મૅનેજમેન્ટને ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું કે આ માટેની કમિટી લોકલ પોલીસ સાથે સંપર્કમાં રહે. એ સિવાય રાજ્ય સરકારની બાળકોની સેફ્ટી માટે જે ગાઇડલાઇન છે એનું સ્ટ્રિક્ટ્લી પાલન કરવામાં આવે.’
દરેક સ્કૂલ-મૅનેજમેન્ટે થર્ડ પાર્ટી સેફ્ટી-ઑડિટ કરાવવાનું રહેશે અને એનો અહેવાલ સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં આપવાનો રહેશે. આ માટે દરેક સ્કૂલને એક મહિનાની ડેડ લાઇન આપવામાં આવી છે. એક મહિનામાં સેફ્ટી-ઑડિટ કરાવીને તેમણે રિપોર્ટ સબમિટ કરવાનો છે એમ જણાવતાં પંકજ દહાણેએ વધુમાં કહ્યું હતું કે ‘જો તેમને થર્ડ પાર્ટી ઑડિટ કરાવવા કોઈ મુશ્કેલી આવતી હોય તો તેમને મદદ કરવા, ગાઇડ કરવા પોલીસ જરૂરી સહયોગ આપશે. આ માટે લોકલ સ્કૂલ-મૅનેજમેન્ટ કમિટી, ટીચર્સ અને નૉન-ટીચિંગ સ્ટાફ તેમની સાથે કોઑર્ડિનેશનમાં રહેશે.’