20 July, 2026 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંધારી રાતમાં વરસતા વરસાદમાં રસ્તો ભૂલેલું TCSના કર્મચારીઓનું ગ્રુપ.
થાણેમાં આવેલી તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના કર્મચારીઓનું એક ગ્રુપ શનિવારે સવારે ઇર્શાલગઢ જવા માટે નીકળ્યું હતું. કિલ્લા પર પહોંચ્યા પછી તેમણે સાંજે પ્રબલગઢ તરફ ટ્રેકિંગ કરવાની યોજના સાથે ઊતરવાનું શરૂ કર્યું. જોકે તેઓ ગાઢ જંગલ અને ઉબડખાબડ ડુંગરાળ પ્રદેશમાં રસ્તો ભૂલી ગયા હતા. અંધારું થઈ જતાં અને મોબાઇલ કનેક્ટિવિટી ન મળતાં ટ્રેકર્સે મદદ માટે ૧૧૨ ઇમર્જન્સી હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. પનવેલ તાલુકા પોલીસની આગેવાની હેઠળ શનિવારે રાતે શોધખોળ અભિયાન ચલાવ્યા બાદ ૧૩ કર્મચારીઓને ઇર્શાલગઢ અને પ્રબલગઢ વચ્ચેનાં ગાઢ જંગલોમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.
પનવેલ તાલુકા પોલીસ, શેડુંગ બીટ-માર્શલ ૪ના જવાનો અને સ્થાનિકો ઉપરાંત નિસર્ગ મિત્ર-પનવેલના સ્વયંસેવકો અને હેલ્પ ફાઉન્ડેશનના બચાવકર્તાઓએ મળીને આ રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતું.
વરસાદને કારણે લપસણી માટી, ઢાળવાળા ખડકો અને ઓછી વિઝિબિલિટી હોવા છતાં બચાવટીમે ઘણા કલાકો સુધી શોધ ચાલુ રાખીને રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્યે બધા જ ૧૩ ટ્રેકર્સને શોધી કાઢ્યા હતા. તેમને કોઈ ઈજા વિના સુરક્ષિત ટેકરી પરથી નીચે ઉતારી લાવવામાં આવ્યા હતા.