03 May, 2026 07:01 AM IST | Mumbai | Varsha Chitaliya
પર્વ તેનાં મમ્મી-પપ્પા દીપ્તિ-મનીષ ગડા સાથે.
મલાડમાં આવેલી વિટી ઇન્ટરનૅશનલ સ્કૂલના ૧૬ વર્ષના વિદ્યાર્થી પર્વ ગડાએ ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE) બોર્ડની દસમા ધોરણની પરીક્ષામાં બેસ્ટ ફાઇવના આધારે ૯૭ ટકા માર્ક મેળવીને સાબિત કરી દીધું છે કે દૃઢ નિશ્ચય અને ભણવાની અદમ્ય ઇચ્છા હોય તેને શારીરિક અક્ષમતા નડતી નથી. પર્વ ગડા ઉલરિચ કન્જેનિટલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (UCMD)થી પીડાય છે. આ એવો જન્મજાત રોગ છે જેમાં સ્નાયુઓનો વિકાસ અટકી જતાં વ્યક્તિ હલનચલન નથી કરી શકતી. પર્વએ આ સિદ્ધિ વ્હીલચૅર પર બેસીને મેળવી છે. સ્કૂલમાં તેનો પાંચમો નંબર આવ્યો છે.
પર્વની મમ્મી દીપ્તિ ગડાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પર્વને જન્મથી જ સમસ્યા છે. હાડકામાં પ્રોટીન ડેવલપ ન થાય એથી વ્યક્તિ બીજા પર નિર્ભર બની જાય છે. એમાં મસલ્સ વધે પણ સ્ટ્રેન્ગ્થ વધતી નથી. હાડકાંની નબળાઈને કારણે હલનચલન અટકી જાય. આનો કોઈ ઇલાજ નથી. હાડકાંની નબળાઈ જન્મજાત છે અને ચાલવાનું ધીમે-ધીમે સદંતર બંધ થઈ ગયું છે. પર્વના હાથ અડધા જ ખૂલે છે અને પગ સીધા થતા નથી એથી તે વ્હીલચૅર પર જ બેસી રહે છે, ઊભો નથી થઈ શકતો. જોકે એ માટે નિયમિત ફિઝિયોથેરપી લેવી પડે છે. ફિઝિયોથેરપીથી ફરક નથી પડવાનો પરંતુ કસરત કે અન્ય ઍક્ટિવિટી ન કરાવીએ તો કન્ડિશન વધુ ખરાબ થઈ જાય. ફ્રેન્ચ અને મૅથ્સ ભણાવવા ટીચર ઘરે આવતા હતા. બાકીના વિષયો જાતે ભણીને તેણે આ સફળતા મેળવી છે. તેના હાથ અંગ્રેજી અક્ષર L આકારમાં અડધા ખૂલે છે એટલે કે કોણીથી સામેની તરફ સીધા નથી થતા. પેપર લખવા માટે તેને થોડો વધુ સમય આપવામાં આવ્યો હતો. અમારી અને પર્વની જર્ની ઘણી ટફ રહી છે. શૈક્ષણિક અને શારીરિક પડકારોનો સામનો કરવામાં તેમ જ અહીં સુધી પહોંચવામાં સ્કૂલનો તેમ જ કૅરટેકર ધનજીભાઈ હરિયાનો ખૂબ સપોર્ટ મળ્યો છે.’
દીકરો શારીરિક અક્ષમતા સાથે જન્મ્યો છે એ જાણ્યા પછી મૂળ કચ્છના માંડવી તાલુકાના સાભરાઈ ગામના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના મનીષભાઈ અને દીપ્તિબહેને બીજા સંતાનનો વિચાર માંડી વાળ્યો હતો. પર્વનો ગ્રાસ્પિંગ-પાવર બહુ સરસ છે એ જાણ્યા બાદ પેરન્ટ્સે પોતાની તમામ શક્તિ તેના એજ્યુકેશન માટે લગાવી દીધી. તેમણે પહેલેથી નક્કી કર્યું હતું કે પર્વને સામાન્ય બાળકોની સ્કૂલમાં ભણાવવો છે. મલાડની વિટી ઇન્ટરનૅશનલ સ્કૂલ રૅમ્પ અને લિફ્ટ જેવી જરૂરી માળખાકીય સુવિધા સાથે અક્ષમતા સામે ઝઝૂમી રહેલા વિદ્યાર્થીઓને સકારાત્મક વાતાવરણમાં ભણવાની તક આપે છે. એને કારણે પર્વ દરેક ક્લાસમાં હાજરી આપી શક્યો. સ્કૂલના ગેટથી કૅરટેકર અંદર લઈ જાય છે. નાનપણથી ભણવામાં હોશિયાર પર્વ ક્યારેય હતાશ નથી થયો. ગણિત અને ફ્રેન્ચ વિષય માટે ટીચર ઘરે ભણાવવા આવતા હતા અને બાકીના વિષયોમાં ડાઉટ-સૉલ્વિંગ માટે તેણે ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો. ભણવાનું કોઈ ફિક્સ ટાઇમટેબલ નહોતું. બેઠાં-બેઠાં થાકી જાય એટલે ૧૫-૨૦ મિનિટ સુવડાવી દેવો પડે. ત્યાર બાદ ફરીથી ભણવા બેસી જતો. ક્રિકેટ અને ચેસ રમવામાં તેની રુચિ છે. પપ્પા સાથે બેઠાં-બેઠાં ક્રિકેટ રમે છે. કમ્પ્યુટર પર ખણખોદ કરીને નવી માહિતી મેળવી લે છે. હવે તેને કૉમર્સમાં ઍડ્મિશન લેવું છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્સી કરવાનો અથવા MBA થવાનો વિચાર છે. પેરન્ટ્સ માળખાકીય સુવિધા હોય એવી જુનિયર કૉલેજની તપાસ કરી રહ્યા છે. મનીષભાઈ સૉફ્ટવેર આર્કિટેક્ટ છે. અક્ષમ દીકરાને પૂરો સપોર્ટ આપી શકે એ માટે કંપનીએ તેમને વર્ક ફ્રૉમ હોમ આપ્યું છે. પર્વનાં મમ્મી દીપ્તિબહેન ફૅશન-ડિઝાઇનર છે અને તે પણ ઘરેથી જ કામ કરે છે.