04 May, 2026 08:43 AM IST | Mumbai | Varsha Chitaliya
કીબોર્ડ વગાડતી, લૅપટૉપ પર પરીક્ષાની તૈયારી કરતી, પેરન્ટ્સ અને ભાઈ સાથે કૌશિકી
આ વાત સાબિત કરી છે બિલકુલ જોઈ ન શકતી કૌશિકી પટેલે. મહારાષ્ટ્ર બોર્ડની બારમા ધોરણની પરીક્ષામાં તે ૮૯.૬૭ ટકા લાવી છે. બોર્ડની પરીક્ષા ઉપરાંત લૉની એન્ટ્રન્સ એક્ઝામમાં પણ તેણે દમદાર પર્ફોર્મન્સ આપ્યો છે. ટેક્નૉલૉજીની સહાયતા અને સઘન અભ્યાસ દ્વારા આ સફળતા મેળવનાર કૌશિકીને સંગીતમાં રસ છે, કીબોર્ડ વગાડે છે અને હવે ગિટાર વગાડવાનું શરૂ કર્યું છે
આત્મવિશ્વાસથી કોઈ પણ સિદ્ધિ હાંસલ કરી શકાય છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બિલકુલ જોઈ ન શકતી સાંતાક્રુઝની કૌશિકી પટેલ. સેન્ટ ઝેવિયર્સ કૉલેજની આર્ટ્સની વિદ્યાર્થિની કૌશિકીને મહારાષ્ટ્ર બોર્ડની બારમા ધોરણની પરીક્ષામાં ૮૯.૬૭ ટકા આવ્યા છે એટલું જ નહીં, લૉની એન્ટ્રન્સ એક્ઝામ કૉમન લૉ ઍડ્મિશન ટેસ્ટ (CLAT)માં પર્સન વિથ ડિસેબિલિટીઝ (PWD) કૅટેગરીમાં પણ ઑલ ઇન્ડિયા લેવલ પર તેનો છઠ્ઠો ક્રમાંક છે. પેરન્ટ્સ, શિક્ષકો અને ટેક્નૉલૉજીની સહાયતાથી તેણે અદ્ભુત સફળતા મેળવી છે. બે વર્ષ અગાઉ દસમા ધોરણમાં પણ તેને ૯૭.૮ ટકા આવ્યા હતા.
ટેન્થમાં પણ ઝળકી હતી
પોતાના દમદાર પર્ફોર્મન્સ વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં ૧૭ વર્ષની કૌશિકીએ જણાવ્યું હતું કે ‘વિઝ્યુઅલી ચૅલેન્જ્ડ બુક્સ, ડાયાગ્રામ અને સ્ક્રીનરીડર સૉફ્ટવેઅરની મદદથી નોટ્સ તૈયાર કરી હતી. કૉલેજમાં પ્રિલિમ્સ એક્ઝામ લૅપટૉપ પર આપી હતી, પણ બોર્ડની પરીક્ષાનાં પેપર લખવા રાઇટરની મદદ લેવી પડી હતી. મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષામાં બારકોડ હોય છે એટલે લૅપટૉપ પર પરીક્ષા આપવાની પરવાનગી નથી હોતી. બોર્ડની પરીક્ષાની સાથે-સાથે લૉની એન્ટ્રન્સ એક્ઝામ CLAT પણ આપી હતી. એમાં ૮૬.૫૦ માર્ક્સ સાથે ઑલ ઇન્ડિયા લેવલ પર PWD કૅટેગરીમાં મારો સિક્સ્થ રૅન્ક અને મહારાષ્ટ્રમાં ફર્સ્ટ રૅન્ક છે. અગાઉ દસમા ધોરણમાં ICSE બોર્ડની પરીક્ષામાં ૯૭.૪ ટકા આવ્યા હતા. મારી આ જર્નીમાં પેરન્ટ્સ ઉપરાંત નૅશનલ અસોસિએશન ફૉર ધ બ્લાઇન્ડ (NAB)-વરલી, ઝેવિયર્સ રિસોર્સ સેન્ટર ફૉર ધ વિઝ્યુઅલી ચૅલેન્જ્ડ અને સ્નેહાંકિત હેલ્પલાઇન તરફથી સમર્થન અને માર્ગદર્શન મળ્યું છે.’
૩ મહિલાનામાં જ દૃષ્ટિ ગુમાવી
રેટિનોપથી ઑફ પ્રીમૅચ્યોરિટી (ROP)થી પીડિત કૌશિકીએ તેનું સ્કૂલિંગ અંધેરીની પ્રાઇમ ઍકૅડેમીથી પૂરું કર્યું હતું. ત્યાર બાદ તેણે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં આર્ટ્સ સ્ટ્રીમનો અભ્યાસ કર્યો. હવે તેને મહારાષ્ટ્ર નૅશનલ લૉ યુનિવર્સિટી (MNLU)માં પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ લૉ પ્રોગ્રામ માટે પ્રવેશ મેળવ્યો છે. ROP એવી સમસ્યા છે જેમાં બાળકને જન્મ વખતે વિઝન એકદમ ઓછું હોય છે અને એક વર્ષની ઉંમર સુધીમાં સંપૂર્ણ અંધત્વ તરફ દોરી જાય છે. આંખની આ ગંભીર સમસ્યા સામાન્ય રીતે પ્રીમચ્યોર્ડ બેબી અથવા તો ગર્ભાવસ્થા પૂરી થયાનાં ૩૧ અઠવાડિયાં પહેલાં જન્મેલાં બાળકોમાં જોવા મળે છે. એમાં રેટિનાની નળીઓ અસામાન્ય રીતે વિકસે છે. કૌશિકીનો જન્મ ૨૮ અઠવાડિયાંની ગર્ભાવસ્થા બાદ થયો હતો. જન્મ બાદ આંખની સમસ્યા હોવાનું નિદાન થયું હતું. ઑક્સિજન આપવામાં આવ્યો એના પરિણામસ્વરૂપ રેટિના વધુ ડિટૅચ થઈ ગયો. જન્મ થયાના ૩ મહિનામાં જ તેણે સંપૂર્ણપણે દૃષ્ટિ ગુમાવી દીધી હતી. તેનાં પેરન્ટ્સ ધવલભાઈ અને રૂપાલીબહેન ડિપ્રેશનમાં આવી ગયાં કે જોઈ ન શકતા બાળકનો ઉછેર કઈ રીતે કરીશું? ધીમે-ધીમે પરિસ્થિતિને સ્વીકારી લીધી. કૌશિકી પોતાના જીવનમાં આગળ વધી શકે અને પગભર થઈ શકે એ માટે એજ્યુકેશન પર ભાર મૂક્યો. મગજ સારું છે એટલે બ્લાઇન્ડ સ્કૂલમાં નથી ભણાવવી એવું નક્કી તો કર્યું, પરંતુ ઘરથી નજીકની કોઈ સ્કૂલ કૌશિકીને સ્વીકારવા તૈયાર નહોતી. NABએ સ્કૂલ શોધવામાં હેલ્પ કરી હતી.
થિયરીમાં રુચિ
કૌશિકીને થિયરીવાળા વિષયોમાં રુચિ છે એટલે તેણે આર્ટ્સમાં ઍડ્મિશન લીધું હતું. લૉની સ્ટડીમાં પણ થિયરી સબ્જેક્ટ વધુ હોય છે. અભ્યાસમાં હોશિયાર કૌશિકીને સંગીતમાં ખૂબ રસ છે. તેના ફ્રી ટાઇમમાં કીબોર્ડ પર બૉલીવુડ અને ઇંગ્લિશ ગીતો વગાડે છે અને ગાય છે. કીબોર્ડમાં ટ્રિનિટી કૉલેજ ઑફ લંડનથી લેવલ ૬ પાસ કર્યું છે. તેને અલગ-અલગ સંગીતવાદ્યો શીખવાં ગમે છે. આ વેકેશનમાં તેણે ગિટાર વગાડવાનું શરૂ કર્યું છે. સોસાયટી કે કૉલેજના કૅમ્પસમાં તેને લોકો બર્ડન માને ત્યારે હતાશ થવાને બદલે વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે. તેને ૮ વર્ષનો નાનો ભાઈ છે. તેના પપ્પા ધવલભાઈ બૅન્કમાં કામ કરે છે અને મમ્મી રૂપાલીબહેન ગૃહિણી છે.
માર્કશીટ
વિષય માર્ક
ઇંગ્લિશ ૭૮
ફ્રેન્ચ ૯૯
હિસ્ટરી ૯૪
પૉલિટિકલ સાયન્સ ૮૯
સાઇકોલૉજી ૯૨
ઇકૉનૉમિક્સ ૮૬
કુલ ૫૩૮/૬૦૦