14 October, 2025 08:50 AM IST | Mumbai | Rupali Shah
ત્વરા ગાલા
નામ પ્રમાણે જ ગુણ હોય એ વાત ત્વરા ગાલાના કિસ્સામાં સાચી ઠરે છે. ત્વરા નામ જ કેટલું કહી જાય છે. ‘ત્વરા’ એટલે ઝડપ, વેગ. અસ્પી નૂતન ઍકૅડેમી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતી આ વિદ્યાર્થિનીએ તાજેતરમાં વિજ્ઞાન મેલા અંતર્ગત ‘ધ ક્વૉન્ટમ એજ- પોટેન્શિયલ ઍન્ડ ચૅલેન્જિસ’ પ્રોજેક્ટ માટે પ્રાઇઝ જીતીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો.
મલાડથી ભાઈંદર સુધીની સ્કૂલો યોજાતી પી-વૉર્ડ વિજ્ઞાન મેલા સ્પર્ધામાં દુનિયામાં થઈ રહેલી નવીનતમ શોધો પર પ્રેઝન્ટેશન આપવાનું હતું. આ આધુનિક વિષયની સ્પર્ધાના નિર્ણાયકો પણ ટીવી ઑડિયન્સનું મેઝરમેન્ટ કરતી બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના મેમ્બર્સ સહિતના પ્રખર નિષ્ણાત હતા. સ્પર્ધાના ત્રણ રાઉન્ડ હતા જેમાં પ્રથમ રાઉન્ડમાં MCQs (મલ્ટિપલ ચૉઇસ ક્વેશ્ચન્સ) હતા. બીજા રાઉન્ડમાં છ મિનિટના ટાઇમ-અલૉટમેન્ટમાં ત્વરાએ એના ફાયદા-ગેરફાયદા, પડકારો વિશે માહિતી આપી. ત્વરાએ પોતાની સ્પીચ આપવાની સાથે તેના આર્ટ-ટીચર સાથે બનાવેલી આર્ટબુક પણ વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન તરીકે રજૂ કરી. છેલ્લા રાઉન્ડમાં આ વિષય બાબતે વિદ્યાર્થીઓને કેટલું ઊંડું જ્ઞાન છે એ ચકાસવા જજ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા. ત્રણેય રાઉન્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્વરા પ્રથમ વિજેતા બની.
આ નાનકડી ગર્લ ત્વરા ‘ક્વૉન્ટમ યુગ’ વિશે સમજાવતાં કહે છે, ‘યુરેકા ક્વૉન્ટમ સિટી એક બોલ્ડ અને પ્રયોગાત્મક વિષય છે. એ માત્ર ટેક્નૉલૉજી જ નહીં પરંતુ અદ્યતન વિજ્ઞાનને આરોગ્ય, સલામતી, શિક્ષણ અને પર્યાવરણ જેવી વાસ્તવિક દુનિયાની જરૂરિયાતો સાથે જોડે છે.’
ક્વૉન્ટમ પ્રકૃતિના સૌથી નાના કણો-પરમાણુઓ, ઇલેક્ટ્રોન અને ફોટોનના વિજ્ઞાનનો ઉલ્લેખ કરે છે. ત્વરા કહે છે, ‘ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ અત્યંત શક્તિશાળી છે. એના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ક્વૉન્ટમ કમ્પ્યુટર્સ એવી સમસ્યાઓનો ઉકેલ કરી શકે છે જે આજનાં કમ્પ્યુટર્સ માટે અશક્ય છે.’
આ કન્સેપ્ટને દર્શાવતું ‘યુરેકા ક્વૉન્ટમ સિટી’ નામનું એક પ્રોટોટાઇપ શહેર આંધ્ર પ્રદેશના અમરાવતી ખાતે વિકસી રહ્યું છે. ભવિષ્યને નક્કર બનાવતું આ પ્રોટોટાઇપ શહેર ડિજિટલ ટેક્નૉલૉજીથી નહીં પણ ક્વૉન્ટમ ટેક્નૉલૉજી પર ચાલે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જ્યાં ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ, કમ્યુનિકેશન અને સેન્સિંગ દ્વારા રાષ્ટ્રીય અને સાઇબર સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ જેવાં અનેક ક્ષેત્રોમાં પરિવર્તન લાવવામાં આવશે. ક્વૉન્ટમ સેન્સર્સ દ્વારા છેતરપિંડી, જોખમોને વધુ ઝડપથી શોધી શકાશે. આરોગ્ય ક્ષેત્રે વધુ ઝડપી સારવાર શક્ય બની શકશે અને ક્વૉન્ટમ વિચારસરણી તેમ જ ક્વૉન્ટમ સાધનોના ઉપયોગથી ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવી શકાશે. ત્વરા કહે છે, ‘ક્વૉન્ટમ યુગ માત્ર મશીનો વિશે નથી, લોકો વિશે છે. આપણે કેવું ભવિષ્ય ઇચ્છીએ છીએ એના વિશે છે.’
જેન ઝી યુગની આ બાળકીનો પ્લસ પૉઇન્ટ તેની વક્તૃત્વ કળા છે. જોકે નાનપણમાં તે સ્વભાવે થોડી શરમાળ હતી. તેના બાળપણના, ખાસ કરીને પહેલા ધોરણના ટીચર્સના પ્રયત્નથી તેની અંદર રહેલી ટૅલન્ટ નિખરતી રહી. આજે ત્વરાના વિકાસમાં તેની સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ તેમ જ તમામ ટીચર્સના માર્ગદર્શન અને પ્રયત્નએ મોટો ભાગ ભજવ્યો છે. વિવિધ કરિક્યુલર ઍક્ટિવિટીઝમાં ઉત્સાહથી ભાગ લેતી ત્વરા ભણવામાં પણ નંબર વન છે. તે પ્રોફેશનલ કથક પણ શીખી રહી છે. ડ્રૉઇંગ, ફોટોગ્રાફી, ચેસ અને રુબિક્સ ક્યુબ જેવી પ્રવૃત્તિઓમાં પણ તે અવ્વલ છે. આટલું બિઝી શેડ્યુલ તે કેવી રીતે મૅનેજ કરી શકે છે અે પ્રશ્ન સહેજે થાય. આજની નવી પેઢી ટેક્નૉસૅવી છે એટલે ખૂબ ઝડપથી બધું શીખી જતી હોય છે એવું જણાવતાં તેનાં મમ્મી પ્રિયલબહેન કહે છે, ‘આ જનરેશન એટલી ટેક્નૉસૅવી છે કે તેમને શીખવું કદાચ અઘરું નથી પડતું. તેમની ધગશ તેમને દરેક કામ કરવા પ્રેરે છે. ત્વરા બુકવર્મ નથી. તે આજની જનરેશન પ્રમાણે રીલ્સ પણ જુએ છે અને કોરિયન સિરીઝ પણ જુએ છે. અમારા બન્નેનો ટ્રાવેલ તેમ જ બર્ડ-વૉચિંગનો શોખ પણ ત્વરામાં ઊતરી આવ્યો છે. તે ફોટોગ્રાફી પણ કરે છે.’
મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે
આ કહેવત ત્વરાના પરિવારને જોઈને સાચી લાગે છે. તેના દાદા હરેશભાઈ સામાજિક કાર્યોમાં સક્રિય છે. દાદી રસોઈમાં તેમ જ મીઠાઈ બનાવવામાં માહેર હોવાની સાથે ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. પપ્પા વિરલ IT સિક્યૉરિટી સાથે સંકળાયેલા છે. તેનાં મમ્મી પ્રિયલ કસ્ટમાઇઝ્ડ કેક બનાવવામાં માહેર છે. પ્રિયલબહેનના પેરન્ટ્સ પણ સામાજિક કાર્યોમાં આગળ પડતા છે. બાળપણથી જ પરિવારના દરેક સભ્યને સતત સક્રિય અને ઉત્સાહી જોનારી ત્વરાને કુદરતી રીતે જ આગળ વધવાની ધગશ અને પ્રોત્સાહન મળતાં રહ્યાં છે જે ભવિષ્યમાં ચોક્કસ તેને બીજાં ઊંચાં શિખરો સર કરવામાં પ્રેરણારૂપ બની રહેશે.