આ માણસ દેરાસરોમાંથી ચોરી કરવાનો બંધાણી છે

27 October, 2025 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વખતે ભાંડુપના દેરાસરમાંથી તફડાવ્યો ૪૫૦ ગ્રામનો ચાંદીનો કળશ, પણ પોલીસે પકડી પાડ્યો

નરેશ જૈન

ભાંડુપ-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલા ઈશ્વરનગરના શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના દેરાસરમાંથી આશરે ૪૫૦ ગ્રામનો ચાંદીનો કળશ તફડાવી ગયેલા ૫૦ વર્ષના નરેશ જૈનની ભાંડુપ પોલીસે ધરપકડ કરી હતી. નરેશ જૈનનો દેરાસરોમાંથી કીમતી વસ્તુઓની ચોરી કરવાનો લાંબો ઇતિહાસ છે. ૧૭ ઑક્ટોબરે નરેશે પૂજાનાં કપડાંમાં દર્શનના બહાને આવીને ચોરીને અંજામ આપ્યો હતો. દરમ્યાન ૧૯ ઑક્ટોબરે કળશ ચોરી થયો હોવાની જા‌ણ થતાં આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે મંદિરમાં લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસતાં ચોરીમાં નરેશ જૈનની સંડોવણી હોવાનું સામે આવ્યા બાદ ગિરગામના નળબજારની ખેતવાડી લેનમાં છટકું ગોઠવીને તેની ધરપકડ કરવામાં આવી હતી.

ભાંડુપ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે દેરાસરના પૂજારીઓ દ્વારા ભગવાનની પૂજા કરવા માટે કળશ શોધવામાં આવતાં એ મળ્યો નહોતો. ત્યાર બાદ આ ઘટનાની જાણ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના સભ્યોને કરવામાં આવ્યા બાદ દેરાસરના તમામ CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં. એમાં ૧૭ ઑક્ટોબરે સવારે સાડાદસ વાગ્યાની આસપાસ પૂજાનાં કપડાંમાં ચોરી કરવા આવેલા ચોરની માહિતી અમને મળી હતી. આરોપીએ જે રીતે ચોરી કરી હતી એની માહિતી અમારા ક્રાઇમ વિભાગના અધિકારીઓ સામે રાખતાં આ ચોરી પાછળ નરેશ જૈનની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યાર બાદ દેરાસરની બહારનાં ફુટેજ તપાસવામાં આવતાં નરેશ જૈન દેરાસરમાં જતો દેખાઈ આવ્યો હતો. અંતે તેની માહિતી ગુપ્ત સૂત્રો પાસેથી ભેગી કર્યા બાદ ખેતવાડી લેનમાં છટકું ગોઠવીને તેની ધરપકડ કરવામાં આવી હતી.’ 

mumbai news mumbai jain community gujaratis of mumbai gujarati community news mumbai crime news mumbai crime branch bhandup