વીમાના કરોડો રૂપિયા ઘરભેગા કરવા માટે અમેરિકાથી આવેલો ‌ભેજાગેપ થયો જેલભેગો

27 October, 2021 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં હોટેલનો જોરદાર ધંધો હોવા છતાં વીમાના ૧૧ કરોડ મેળવવા પોતાના જેવી જ દેખાતી વ્યક્તિની હત્યા કરીને પોતાનું મૃત્યુ થયું હોવાનું પુરવાર કરવા જતાં જેલના સળિયા ગણવાનો વારો આવ્યો

મુખ્ય આરોપી પ્રભાકર વાઘચૌરે (ડાબે) અને પોલીસની ટીમ

કોરોનાને લીધે દેશ-દુનિયામાં કામકાજને ગંભીર અસર પહોંચી હોવાથી કેટલાક લોકો ચોરી-ચપાટી કરવા મજબૂર બન્યા હોવાના મામલા સામે આવ્યા છે. જોકે બે દાયકા કરતાં વધારે સમયથી અમેરિકા જેવા ધનાઢ્ય દેશમાં હોટેલના ધંધામાં સારી કમાણી કરતો હોવા છતાં એકઝાટકે કરોડો રૂપિયા મેળવવા છેક અમેરિકાથી મહારાષ્ટ્રના નાનકડા ગામમાં આવીને એક વ્યક્તિની હત્યા કરીને ૧૧ કરોડ રૂપિયાનો ઇન્શ્યૉરન્સ મેળવવાનો ચોંકાવનારો મામલો પોલીસના ચોપડે નોંધાયો છે. રૂપિયા માટે માનવજાતને શરમાવી મૂકે એવી આ ઘટનામાં પોલીસે અમેરિકન હોટેલિયર સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ ૫૪ વર્ષનો પ્રભાકર ભીમાજી વાઘચૌરે અમેરિકાના નૉર્થ કૅરોલિના સ્ટેટમાં પત્ની અને બે પુત્ર સાથે રહીને છેલ્લાં ૨૦ વર્ષથી હોટેલ ચલાવે છે. પ્રભાકર મૂળ અહમદનગરના રાજુરી ગામનો વતની છે. તેણે ઑલસ્ટેટ્સ નામની ઇન્શ્યૉરન્સ કંપનીમાંથી પોતાનો પંદર લાખ અમેરિકન ડૉલર એટલે કે ૧૧.૨૫ કરોડ રૂપિયાનો અને પત્નીનો દસ લાખ ડૉલર એટલે કે ૭.૫૦ કરોડ રૂપિયાનો વીમો લીધો છે. એકઝાટકે કરોડો રૂપિયા કમાવાની લાલચ રાખતો પ્રભાકર આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ભારત આવ્યો હતો. તે મહારાષ્ટ્રના અહમદનગરના આકોલા તાલુકામાં આવેલા ધામણગામ પાટી ગામમાં પોતાના સાસરે રોકાયો હતો.

ધામણગામ પાટી ગામથી ૩૦ કિલોમીટરને અંતરે આવેલા રાજુર પોલીસ સ્ટેશનમાં ૨૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ પ્રભાકર વાઘચૌરેનું સાપ કરડવાથી મૃત્યુ થયું હોવાનો મામલો નોંધાયો હતો. આ કેસની તપાસ માટે રાજુરી પોલીસ સ્ટેશનનો એક કૉન્સ્ટેબલ તપાસ માટે હૉસ્પિટલમાં પહોંચ્યો હતો ત્યારે ખુદ પ્રભાકરે તેને તે પ્રભાકરનો ભત્રીજો પ્રવીણ હોવાનું કહ્યું હતું. હૉસ્પિટલમાં હાજર હર્ષદ લાહમગે નામના યુવકે પણ મૃતદેહ પ્રભાકર વાઘચૌરેનો હોવાનું કહ્યું હતું. પોલીસે પ્રાથમિક મેડિકલ રિપોર્ટ મેળવીને મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા માટે પ્રવીણને સોંપ્યો હતો. ડૉક્ટરના રિપોર્ટમાં પ્રભાકરનું મૃત્યુ સાપ કરડવાથી થયું હોવાનું નોંધવામાં આવ્યું હતું.

વેરિફિકેશનમાં ખૂલી પોલ

મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ ગયા હોવાથી પ્રભાકરે પોતાનો પ્લાન સફળ થયો હોવાનું માની લીધું હતું અને વીમા કંપની ઑલસ્ટેટ્સમાં પંદર લાખ અમેરિકન ડૉલરનો ડેથ ક્લેમ કર્યો હતો એ આસાનીથી પત્નીને મળી જશે. જોકે પ્રભાકરે ક્લેમ મેળવવા માટે ડૉક્યુમેન્ટ્સ સબમિટ કર્યા હતા ત્યારે વીમા કંપનીએ ક્લેમ વેરિફાય કરવા માટે અહમદનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને પ્રભાકરનું મૃત્યુ કેવી રીતે થયું હતું એની માહિતી માગી હતી. પોલીસની ટીમે પ્રભાકરના ઘરે તપાસ કરતા પાડોશીઓનાં જુદાં-જુદાં નિવેદનોથી શંકા થઈ હતી. આથી પોલીસે પ્રભાકરના કૉલ-રેકૉર્ડ્સ ચકાસતાં તે જીવતો હોવાનું જણાયું હતું. બાદમાં પોલીસે પ્રભાકરની ગુજરાતના વડોદરા શહેરમાંથી અને તેને આ કામમાં મદદ કરનારા અન્ય ચાર જણની પણ ધરપકડ કરી હતી.

પ્લાન બનાવીને ભારત આવેલો

પોલીસની તપાસમાં જણાયું છે કે પ્રભાકર વાઘચૌરેની પત્ની અમેરિકાના નૉર્થ કૅરોલિના સ્ટેટના એક શહેરમાં હોટેલ સંભાળે છે, મોટો દીકરો જૉબ કરે છે અને નાનો પુત્ર કૉલેજમાં ભણી રહ્યો છે. વીમા કંપની પાસેથી કરોડો રૂપિયાનો ક્લેમ મેળવવાનો પ્લાન બનાવીને પ્રભાકર જાન્યુઆરી મહિનામાં એકલો ભારત આવ્યો હતો. તે સાસરે રહેતો હતો ત્યારે તેણે પોતાના જેવો શારીરિક બાંધો ધરાવતા માણસની શોધ આદરી હતી. ગામમાં રહેતા માનસિક રીતે અસ્વસ્થ એવા નવનાથ આનપ નામના ૫૦ વર્ષના માણસને જોયા બાદ પ્રભાકરે રાજુરી ગામમાં એક રૂમ ભાડેથી રાખી હતી અને અહીં રહેવા લાગ્યો હતો.

કોબ્રાનો દંશ આપીને હત્યા કરી

આ કેસની તપાસ કરી રહેલા રાજુરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નરેન્દ્ર સાબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી પ્રભાકરે પ્લાન મુજબ સંદીપ તળેકર, હર્ષદ લહામગે, હરીશ કુલાળ અને પ્રશાંત ચૌધરીને મોટી રકમ આપવાની લાલચ આપીને પોતાની સાથે રાખ્યા હતા. ૨૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ નવનાથ આનપને રાજુરી ગામમાં ભાડે રાખેલી રૂમમાં લાવવામાં આવ્યો હતો. અહીં એક મદારી પાસેથી મેળવેલા કોબ્રાનો દંડ નવનાથના પગમાં વારંવાર આપવામાં આવ્યો હતો. થોડી વારમાં નવનાથ મૃત્યુ પામ્યો હતો. બાદમાં બધા નવનાથના મૃતદેહને રાજુરી ગામની સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. મૃતકનું નામ પ્રભાકર ભીમાજી વાઘચૌરે હોવાનું તેમણે નોંધાવ્યું હતું.’

૨૯ ઑક્ટોબર સુધી તમામ આરોપીની પોલીસ-કસ્ટડી કોર્ટમાંથી મેળવાયા બાદ આ મામલામાં બીજા કોઈ સંકળાયેલા છે કેમ એની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’

mumbai mumbai news Crime News