મુંબઈની લોકલ ટ્રેનમાં હાથમાં પાણી ભરેલો ગ્લાસ લઈને આ ભાઈએ છેક ચર્ચગેટથી વિરાર સુધી મુસાફરી કરી

07 June, 2026 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજા એક યુઝરે મજાક ઉડાવતાં લખ્યું કે આ બેરોજગારીની ચરમસીમા છે. કેટલાકે તો પ્રણયને બે કલાકમાં ૧૦૦ માળના દાદરા ચડવાનો પડકાર પણ ફેંક્યો હતો.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

મુંબઈના પ્રણય જોશી નામના કન્ટેન્ટ ક્રીએટરે સોશ્યલ મીડિયા પર એક અનોખી વૉટર ચૅલેન્જ શૅર કરી છે, જેને ઘણા વ્યુઝ મળી રહ્યા છે. તેણે ચર્ચગેટથી વિરાર સુધીનું આશરે ૬૦ કિલોમીટરનું અંતર લોકલ ટ્રેનમાં હાથમાં પાણી ભરેલા ગ્લાસને લઈને પાર કર્યું હતું અને આ ગ્લાસમાંથી પાણીનું ટીપુંય ઢોળાયું નહોતું. મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવી એ યુદ્ધ જીતવાથી જરાય કમ નથી. ભારે ધક્કામુક્કી, ભીડ અને ઊભા રહેવા માટે પણ ભાગ્યે જ કોઈ જગ્યા હોય છે ત્યારે તેણે આ ચૅલેન્જ પૂરી કરી છે. આ વાઇરલ વિડિયોની શરૂઆતમાં પ્રણય ચર્ચગેટ રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ પર ઊભા રહીને પાણીનો ગ્લાસ ભરે છે પછી ખરી કસોટી થાય છે. ટ્રેન આવતાં જ તે ભીડમાંથી પસાર થઈને ડબ્બામાં પ્રવેશ કરે છે. ચર્ચગેટથી વિરાર સુધીની મુસાફરી જેમ-જેમ આગળ વધતી ગઈ તેમ-તેમ તેની મુશ્કેલીઓ વધતી ગઈ હતી. દરેક સ્ટેશન પર મુસાફરો ચડતા અને ઊતરતા રહ્યા અને ધક્કામુક્કી વધતી ગઈ. વિડિયોમાં પ્રણય ક્યારેક ટ્રેનના ખૂણા પાસે ઊભો રહે છે અને ક્યારેક ભીડથી પોતાના ગ્લાસને બચાવવા માટે હાથ ઊંચો કરે છે. ટ્રેન વિરાર પહોંચે છે ત્યારે તેની ચૅલેન્જ પૂરી થાય છે અને તે પોતાની જીતનો જશન મનાવે છે. એક યુઝરે લખ્યું કે જે વ્યક્તિ વિડિયો રેકૉર્ડ કરી રહી હતી તેને પણ મેડલ મળવો જોઈએ. બીજા એક યુઝરે મજાક ઉડાવતાં લખ્યું કે આ બેરોજગારીની ચરમસીમા છે. કેટલાકે તો પ્રણયને બે કલાકમાં ૧૦૦ માળના દાદરા ચડવાનો પડકાર પણ ફેંક્યો હતો.

mumbai news mumbai churchgate virar mumbai local train social media