29 October, 2025 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : નિમેશ દવે
ટ્રેનની ખીચોખીચ ભીડમાં અચાનક વાંસળીની મધુર ધૂન સંભળાય અને બધી જ ભાંજગડ ભૂલીને બે ઘડી વાંસળી સાંભળતા રહેવાનું મન થાય એવી વાંસળી વગાડે છે આનંદ મહલદાર. વાંસળી પર સરસ મજાની ધૂન વગાડીને મુસાફરોના ચહેરા પર છલકાતું સ્મિત આંખના માત્ર ૨૦ ટકા વિઝન સાથે પણ સ્પષ્ટ જોઈ શકે છે આનંદ.
મૂળ કલકત્તાના આનંદ મહલદારને નાનપણથી જ આંખના વિઝનમાં પ્રૉબ્લેમ હતો. ધીરે-ધીરે આ તકલીફ વધતી ગઈ અને થોડાં વર્ષ પહેલાં ૫૦ ટકા વિઝન જતું રહ્યું. આ સમસ્યા આનંદના જુસ્સાને ડગાવી ન શકી. તેણે કલકત્તાની ઓપન યુનિવર્સિટીમાંથી ઑનર્સ ડિગ્રી મેળવી અને હોમલોન કંપનીમાં જૉબ શરૂ કરી, પરંતુ હવે તેનું વિઝન માત્ર ૨૦ ટકા જ રહ્યું છે.
વિઝન ભલે ઘટતું ગયું, પણ આનંદનો જીવન પ્રત્યેનો અભિગમ વધુ પૉઝિટિવ બનતો ગયો. તેણે મ્યુઝિક માટેના પોતાના પૅશનને ફૉલો કર્યું. આનંદના મિત્રે તેને પ્રોત્સાહન આપ્યું અને આનંદે લોકલ ટ્રેનમાં વાંસળી વગાડવાનું શરૂ કર્યું. લોકલ ટ્રેનના અનેક મુસાફરો તેની ટૅલન્ટને વખાણીને તેને મદદ પણ કરે છે. જીવનના પડકારો છતાં લોકોને આનંદ કરાવીને આનંદમાં રહેતા આનંદને સલામ.