બનાવટી ચીઝ અને પનીર વેચનારાઓ પર આવશે તવાઈ

20 April, 2025 09:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૌરી ખાનની રેસ્ટોરાંના બનાવટી પનીરનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે મિનિસ્ટરે આપ્યો આદેશ

પ્રતીકાત્મક તસવીર

શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનની રેસ્ટોરાં ટોરીમાં બનાવટી પનીર પીરસવામાં આવે છે એવા એક યુટ્યુબરના દાવા પછી મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) મિનિસ્ટર નરહરિ ઝિરવાળે ગઈ કાલે કહ્યું હતું કે ‘એવું જાણવા મળ્યું છે કે કેટલીક જગ્યાએ બનાવટી ચીઝ અને પનીરનો ઉપયોગ થાય છે. એથી આ સંદર્ભે બનાવટી ચીઝ અને પનીર વેચનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમનાં લાઇસન્સ કૅન્સલ કરવામાં આવશે.’

ચીઝ અને પનીરની વાનગીઓ બાળકોમાં બહુ પૉપ્યુલર હોય છે અને માર્કેટમાં એની ડિમાન્ડ રહે છે. જોકે એમ છતાં ફૂડ ઍન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને તપાસમાં જણાઈ આવ્યું છે કે કેટલીક વાર લોકોને બનાવટી ચીઝ અને પનીર પીરસવામાં આવે છે એમ કહેતાં નરહરિ ઝિરવાળે કહ્યું હતું કે ‘FDA ગ્રાહકોનું હિત વિચારે છે. એથી ફૂડ-ક્વૉલિટીમાં કોઈ પણ બાંધછોડ ચલાવી નહીં લેવાય. જો તેઓ એમ કરીને ગ્રાહકોને છેતરતા હોય તો એવી રેસ્ટોરાં, હોટેલ અને ફાસ્ટ ફૂડ ઑપરેટર્સ પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. FDAએ એના ફૂડ-સેફ્ટી ઑફિસરોને તેમના કાર્યક્ષેત્રમાં આવતાં ચીઝ અને પનીરના ડિસ્ટ્રિબ્યુટરનાં બધાં જ પર્ચેઝ અને સેલ્સ બિલ ચેક કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ હોટેલો, રેસ્ટોરાં, ફૂડ-જૉઇન્ટ્સનાં બિલ પણ ચેક કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત તેમને ત્યાંના ચીઝ અને પનીરનાં સૅમ્પલ લઈને એ લૅબમાં ચેક કરાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. જો કોઈ એમાં દોષી જણાઈ આવશે તો ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઍક્ટ હેઠળ તેમનાં લાઇસન્સ કૅન્સલ કરવામાં આવશે.’

mumbai news mumbai gauri khan food and drug administration