13 January, 2026 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ અંબાણી
પબ્લિક સેક્ટરની ૩ બૅન્કોએ બિઝનેસમૅન અનિલ અંબાણી અને રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડ સામે તેમનાં બૅન્ક-ખાતાંઓને ફ્રૉડ ગણાવતી કાર્યવાહી પર મુકાયેલા સ્ટે સામે બૉમ્બે હાઈ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
બૅન્કોએ ૨૦૨૫ના ડિસેમ્બર મહિનામાં સિંગલ બેન્ચે આપેલા આદેશને પડકાર્યો હતો. આદેશમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ફરજિયાત નિયમોના ઉલ્લંઘન અને વર્ષો પછી બૅન્ક ઊંડી નિદ્રામાંથી સફાળી જાગી હોવાના ક્લાસિક કેસનો ઉલ્લેખ કરીને અનિલ અંબાણી અને તેમની કંપનીને કોર્ટે વચગાળાની રાહત આપી હતી.
સિંગલ બેન્ચના આદેશે ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, IDBI બૅન્ક અને બૅન્ક ઑફ બરોડા દ્વારા કરવામાં આવેલી તમામ વર્તમાન અને ભવિષ્યની કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો જેમાં નોંધ્યું હતું કે આ કાર્યવાહી કાયદેસર રીતે ખામીયુક્ત ફૉરેન્સિક ઑડિટ પર આધારિત હતી અને RBIની ફરજિયાત ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરે છે.
સોમવારે ટૂંકી દલીલો સાંભળ્યા પછી બૉમ્બે હાઈ કોર્ટે આ મામલાની વધુ સુનાવણી ૧૪ જાન્યુઆરી પર મુલતવી રાખી હતી.