13 October, 2026 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પ્રશાસન દ્વારા નિર્માણ કરાયેલા ૩ મહત્ત્વના બ્રિજ વિદ્યાવિહાર, સાયન અને ગોરેગામનું નિર્માણકામ આખરે સંપન્ન થઈ ગયું છે. આ ત્રણેય બ્રિજને ૧૫ ઑક્ટોબર સુધીમાં વાહનવ્યવહાર માટે ખુલ્લા મૂકી દેવાય એવી પ્રબળ શક્યતા છે.
રાજ્યમાં પ્રવર્તતી દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) કોઈ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજવાનું ટાળશે. એને બદલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વર્ચ્યુઅલી એક જ સ્થળેથી આ ત્રણેય બ્રિજનું એકસાથે લોકાર્પણ કરે એવી શક્યતા અધિકારીઓએ વ્યક્ત કરી છે.
બીજી તરફ સ્થાનિક નાગરિકો અને મુસાફરોએ અગાઉ થયેલા વિલંબ અને ટ્રાફિક જૅમની સમસ્યાને જોતાં કોઈ પણ ઔપચારિકતા વિના આ પુલોને તાત્કાલિક ખુલ્લા મૂકવાની તંત્રને વિનંતી કરી છે. તૈયાર થયેલા પુલોમાં ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ (GMLR) પ્રોજેક્ટનો મહત્ત્વનો ભાગ ગણાતો ગોરેગામ ફ્લાયઓવર તેમ જ લાંબા સમયથી વિલંબમાં પડેલો વિદ્યાવિહાર રેલવે ઓવર બ્રિજ પણ સામેલ છે, જે શરૂ થતાં પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો વચ્ચેની કનેક્ટિવિટી વધુ સરળ બનશે.