કર્જતના પર્વત પર ખોવાઈ ગયેલા મુંબઈના ત્રણ ટ્રેકરો યુટ્યુબની મદદથી ઊગરી ગયા

30 April, 2025 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આશરે પાંચ કલાક સર્ચ-ઑપરેશન ચલાવીને રવિવારે મોડી રાતે ઢાક ભૈરી ગુફામાંથી તેમને ઉગારી લીધા હતા.

મુંબઈના ટ્રેકરોને ઉગારી લાવનાર રેસ્ક્યુ ટીમ.

કર્જતના પ્રખ્યાત ઢાક ભૈરી પર્વત પર રવિવારે સવારે ટ્રેકિંગ માટે ગયેલા મુંબઈના ત્રણ મિત્રો ટ્રેકિંગ દરમ્યાન રસ્તો ભૂલી જતાં મુસીબતમાં મુકાઈ ગયા હતા. રવિવાર સાંજ સુધીમાં ખાધાપીધા વગર કલાકો સુધી ફર્યા બાદ રસ્તો ન મળતાં ભયાવહ પરિસ્થિતિમાં તેમણે યુટ્યુબ પર બચાવ પથકની તપાસ કરી હતી.  આ તપાસમાં એક નામ મળ્યું અને એના પર મળેલા નંબર પર સંપર્ક કરવામાં આવતાં કર્જતના સ્થાનિક લોકોએ ભેગા મળીને આશરે પાંચ કલાક સર્ચ-ઑપરેશન ચલાવીને રવિવારે મોડી રાતે ઢાક ભૈરી ગુફામાંથી તેમને ઉગારી લીધા હતા.

પવઈમાં રહેતો હેમંત કાંક, કોપર ખૈરણેમાં રહેતો રોહિત શેવાળે અને થાણેમાં રહેતો ગીતેશ રાણે રવિવારે સવારે કર્જતના ઢાક ભૈરીમાં ટ્રેકિંગ માટે આવ્યા હતા એમ જણાવતાં કર્જતના રક્ષા સામાજિક વિકાસ મંડળના પ્રમુખ સુમિત ગુરવે

‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે તેઓ ટ્રેકિંગ માટે જ્યારે પર્વત ચડ્યા એ સમયે તેઓ રિસ્ટ્રેક્ટેડ વિસ્તારમાં ચાલ્યા ગયા હતા જ્યાંથી પાછા આવવામાં સાંજ પડી ગઈ હતી. જેમ-જેમ અંધારું થતું ગયું એમ-એમ તેમને પાછા આવવા માટે રસ્તો મળ્યો નહોતો એટલે તેઓ મૂંઝાઈ ગયા હતા. એક તરફ વાંદરાઓનો ત્રાસ અને બીજી તરફ તેમની પાસે પીવા માટે પાણી નહોતું કે ખાવા માટે ફૂડ નહોતું. કલાકો સુધી ચાલ્યા બાદ તેમને રસ્તો ન મળતાં તેઓ નિરાશ થઈને બેસી ગયા હતા. જોકે એ દરમ્યાન હેમંતના મોબાઇલમાં નેટવર્ક આવતાં તેણે યુટ્યુબ પર બચાવ પથક વિશે માહિતી શોધી કાઢી હતી અને એમાં તેમને અમારો નંબર મળ્યો હતો. રવિવારે રાતે સાડાદસ વાગ્યે અમને માહિતી મળતાં અમારી ટીમ તેમને શોધવા નીકળી હતી. આશરે પાંચ-૬ કલાક સુધી સર્ચ કર્યા બાદ અમને તેઓ મળ્યા હતા. પર્વતથી નીચે લાવ્યા બાદ બીજા દિવસે સોમવારે સવારે તેમને પાછા મુંબઈ મોકલ્યા હતા.’

mumbai news mumbai karjat mumbai police travel news