લાકડાંનાં ગોડાઉન બની ગયાં લાક્ષાગૃહ

11 January, 2022 11:36 AM IST  |  Mumbai | Rohit Parikh

ભાયખલાની મુસ્તફા બજારમાં વહેલી સવારે લાગેલી ભયંકર આગમાં: સાત ગોડાઉનોમાં સ્ટૉક કરવામાં આવેલું લાખો રૂપિયાનું લાકડું બળીને ખાખ

ભાયખલાની મુસ્તફા બજારમાં લાગેલી આગમાં બળી ગયેલાં લાકડાંનાં ગોડાઉન

મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલી મુસ્તફા બજારમાં મસીના હોટેલ પાસે આવેલાં ટિમ્બરોનાં ગોડાઉનોમાં ગઈ કાલે સવારે ૫.૩૦ વાગ્યે અચાનક આગ ફાટી નીકળતાં ૭ ગોડાઉનોમાં રાખવામાં આવેલાં લાખો રૂપિયાનાં લાકડાં બળીને ખાખ થઈ ગયાં હતાં. જોકે આગની જાણકારી મળતાં સમયસૂચકતા વાપરીને ગોડાઉનમાં સૂતેલા કર્મચારીઓ ગોડાઉનમાંથી બહાર નીકળી જતાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. ગઈ કાલની આગમાં અમારા ગોડાઉનમાં સ્ટૉક કરવામાં આવેલો બર્માના લાકડાંનો લાખો રૂપિયાનો સ્ટૉક બળીને ખાખ થઈ ગયો હતો. આગમાં થયેલી નુકસાનીને કારણે અમે ૧૫થી ૨૦ વર્ષ પાછળ જતા રહ્યા છીએ એમ જણાવતાં ગઈ કાલની આગમાં બળી ગયેલાં ગોડાઉનોમાંથી એક ગોડાઉનના ગુજરાતી માલિક દિલીપ શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે લાગેલી આગનું કારણ જાણી શકાયું નહોતું, પરંતુ વહેલી સવારે ૫.૩૦ વાગ્યે અમને આગની ઘટનાની ખબર પડતાં મારા પરિવારજનો દોડીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે અમારું ગોડાઉન આગમાં બળીને ખાખ થઈ ગયું હતું, કાંઈ જ બચ્યું નહોતું. ફક્ત જાનહાનિ થઈ નહોતી. આ પહેલાં ૧૦ વર્ષ પહેલાં આગ લાગી ત્યારે પણ એકસાથે ૧૬ ગોડાઉન બળીને ખાખ થઈ ગયાં હતાં. ખબર નથી પડતી ભગવાન શું કરવા બેઠો છે.’ 
આગને ઓલવતાં અંદાજે ત્રણ કલાકથી વધુ સમય લાગ્યો હતો એ જાણકારી આપતાં વૉર્ડ નંબર-૨૦૮ના શિવસેનાના નગરસેવક રમાકાંત રાહટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ લાગતાં લાકડાબજારમાં દોડાદોડ થઈ ગઈ હતી. ફાયર-બ્રિગેડ સમયસર પહોંચ્યા પછી પણ એકેય ગોડાઉન બચાવી શકાયું નહોતું. વેપારીઓ થોડા સ્વસ્થ થશે પછી જ નુકસાનીના સાચા આંકડાની જાણકારી મળશે. આગ વહેલી સવારે સાડાપાંચ વાગ્યે લાગી હતી, જેને બુઝાવતાં સાડાઆઠ વાગી ગયા હતા. લાકડાંનાં ગોડાઉનો હોવાથી બધો માલ બળીને ખાખ થઈ ગયો હતો.’ આગની ઘટનાની જાણકારી આપતાં ચીફ ફાયર ઑફિસર હેમંત પરબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફાયર-બ્રિગેડને સવારે ૫.૫૪ વાગ્યે આગનો કૉલ આવ્યો હતો. ફાયર-બ્રિગેડ પહોંચી ત્યારે આગ લેવલ-વનમાં હતી, થોડી વારમાં જ આગ વિકરાળ બનીને લેવલ-ટૂમાં પહોંચી ગઈ હતી. આગ બુઝાવવા માટે પાંચ ફાયર-એન્જિન પહોંચી ગયાં હતાં. આગમાં ૬૦૦ ફુટનાં ગોડાઉનોમાં પડેલો ઇલેક્ટ્રિક વાયરિંગનો સામાન, ઑફિસનો સામાન તેમ જ લાકડાંના માલને નુકસાન થયું હતું.’ 

mumbai mumbai news byculla rohit parikh