થાણેમાં પાણીનું બિલ ન ભરતા લોકોનું આવી બન્યું

31 January, 2026 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૉટર-કનેક્શન કાપવાની અને મીટરરૂમ સીલ કરવાની કાર્યવાહી કરી શરૂ

થાણેના વર્તકનગરમાં પાણીના બિલના પૈસા બાકી રાખનારા સામે કરવામાં આવી કાર્યવાહી

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ પાણીનાં બાકી બિલની વસૂલાત માટે આક્રમક અભિગમ અપનાવ્યો છે. TMCના પાણીપુરવઠા વિભાગ દ્વારા લેણાં વસૂલ કરવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં બિલ ન ભરનારા રહેવાસીઓ, સોસાયટીઓ અને ખાનગી સંસ્થાઓ સામે સીધી અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. TMCના કાર્યક્ષેત્રમાં જે લોકોએ લાંબા સમયથી પાણીનું બિલ ભર્યું નથી તેમની વિરુદ્ધ જપ્તીની કાર્યવાહી પ્રસ્તાવિત કરવામાં આવી છે. TMCની ટીમો પાણીનું કનેક્શન કાપવા અને મીટરરૂમ સીલ કરવા ઉપરાંત પમ્પ-જપ્તીની કાર્યવાહી કરી રહી છે.

TMCના પાણીપુરવઠા વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે લોકો છેલ્લા છ મહિના કે એનાથી વધુ સમયથી પાણીના બિલની બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા છે તેમના નળનું જોડાણ તાત્કાલિક અસરથી ખંડિત કરવામાં આવી રહ્યું છે. અનેક વિસ્તારોમાં સોસાયટીઓની મીટરરૂમ સીલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પાણી ખેંચવા માટે વપરાતા પમ્પ પણ જપ્ત કરવામાં આવી રહ્યા છે. TMCએ પ્રામાણિક કરદાતાઓ અને બાકી દેણદારો માટે રાહતયોજના પણ જાહેર કરી છે જેમા દંડ અને વ્યાજમાં ૧૦૦ ટકા છૂટ આપવામાં આવી છે. આ યોજના માત્ર ઘરગથ્થુ વપરાશ માટેનાં નળજોડાણો માટે જ લાગુ પડશે. નાગરિકોએ ચાલુ વર્ષની રકમ સાથે જૂની તમામ બાકી રકમ એકસાથે ભરવાની રહેશે. જો સંપૂર્ણ રકમ એકસાથે ભરવામાં આવશે તો જ વ્યાજ અને દંડમાં ૧૦૦ ટકા માફી મળશે.’

thane municipal corporation thane Water Cut mumbai mumbai news