ખાડામુક્તિ માટે શરૂઆત તો થઈ

05 October, 2022 11:22 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

આના માટે તમામ રસ્તા એક જ એજન્સી એટલે કે બીએમસીને સોંપવાની શરૂઆત થઈ છે અને આ દિશામાં પહેલ તરીકે આની સામે કોઈ વાંધો ન હોવાનું એમએમઆરડીએએ સરકારને જણાવી દીધું છે : જોકે એને ખરા અર્થમાં અમલમાં મુકાતાં કેટલો સમય લાગશે એને લઈને અસ્પષ્ટતા

ફાઇલ તસવીર

રાજ્ય સરકારે મુંબઈના મુલુંડથી સાયન સુધીના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને દહિસરથી બાંદરા સુધીના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, જે હાલ એમએમઆરડીએ અંતર્ગત આવે છે એ બીએમસીને સોંપવા સામે એને કોઈ વાંધો ન હોવાનું એમએમઆરડીએને જણાવ્યું છે. એને લીધે હવે આ રોડ બીએમસીની અંદર આવી જશે અને રાતોરાત હાઈવે ખાડામુક્ત થઈ જશે એવું માનવાની જરૂર નથી, કારણ કે હજી સુધરાઈએ એમએમઆરડીએ પાસે સત્તાવાર રીતે માગ નથી કરી. 

મુંબઈના ૨૦૫૦ કિલોમીટર લાંબા રોડ પર પડતા ખાડાને લઈને થોડા વખત પહેલાં જ બીએમસીએ કોર્ટમાં કહ્યું હતું કે મુંબઈના રસ્તાઓને ખાડા વગરના કરવા માટે એક જ એજન્સી પાસે હોય એ જરૂરી છે. હાલ મુંબઈના ૨૦૫૦ કિલોમીટર રસ્તામાંથી ૫૦૦ કિલોમીટરના રસ્તા બીએમસી સિવાયની એમએમઆરડીએ, એમએસઆરડીસી અને અન્ય ૧૫ જેટલી એજન્સીઓ પાસે છે જે એનો કારભાર-મેઇન્ટેનન્સ સંભાળે છે. 

આ બાબતે બીએમસીના ડેપ્યુટી કમિશનર ઉલ્હાસ મ્હાલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એમએમઆરડીએએ ભલે એનઓસી આપવાની તૈયારી બતાવી, પણ હાઇવેને હૅન્ડઓવર કરવા એ કંઈ રમતવાત નથી. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, જે હજી પૂરું નથી થયું. એ કામ ક્યાં સુધીમાં પૂરું થાય છે એ જોવાનું છે. એમની ડેડલાઇન ક્યારની છે? ૨૦૨૩, ૨૦૨૪ કે પછી...? અમે જ્યારે એ તાબામાં લઈશું ત્યારે એ હાઇવે એમણે ખાડા વગરનો કરી, ખાડા ભરી એકદમ સમથળ કર ચકાચક બનાવીને આપવાનો છે. ત્યારે જ અમે એ તેમની પાસેથી લઈશું. બંને હાઇવે અમે કૉન્ક્રીટના બનાવીશું. એ પ્લાનમાં છે જ એની ના નહીં, પણ એ એક વાર અમારા તાબામાં આવે એ પછી તબક્કાવાર કામ હાથ ધરાશે. હાલ તો તેમણે જ એ હાઇવે મેઇન્ટેઇન કરવાના રહે છે.’   

mumbai mumbai news brihanmumbai municipal corporation mumbai potholes bakulesh trivedi