આજે પાઘડીના ભાડૂતો કરશે આઝાદ મેદાનમાં મહાઆંદોલન

18 November, 2025 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ આંદોલનમાં ૪૦ વર્ષથી વધુ સમયથી રહેતા રહેવાસીઓ અન્યાય, અસુરક્ષિત ઇમારતો અને અમાનવીય જીવનશૈલી સામે અવાજ ઉઠાવશે

C વૉર્ડની જૂની ઇમારતો

આજે બપોરે ૧૨ વાગ્યે આંદોલનને પઘડી એકતા સંઘ અને અન્ય ભાડૂત-મંડળો તરફથી તેમની સરકાર સમક્ષ અનિર્ણાયત્મક રહેલી વર્ષોજૂની માગણીના ટેકામાં આઝાદ મેદાનમાં એક વિશાળ મહાઆંદોલન કરવામાં આવશે, જેમાં મુંબઈના ૨૦ લાખથી વધુ પાઘડી-ભાડૂતો માટે લાંબા સમયથી પડતર ન્યાયની માગ કરવામાં આવશે.

આ બાબતની માહિતી પઘડી એકતા સંઘના પ્રમુખ મુકેશ પેંડસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૪૦ વર્ષથી વધુ સમયથી પાઘડીના રહેવાસીઓ અન્યાય, અસુરક્ષિત ઇમારતો અને અમાનવીય જીવનશૈલીને સહન કરી રહ્યા છે. ૨૦ લાખથી વધુ ભાડૂતો ભય, અસુરક્ષા અને માળખાકીય જોખમમાં જીવી રહ્યા હોવા છતાં સરકાર અને પ્રશાસન તરફથી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. આજના આંદોલનમાં ૨૦ લાખ નાગરિકોના ગૌરવ, સલામતી અને લાંબા સમયથી વિલંબિત કાર્યવાહીની માગણીનો અવાજ ગુંજશે અને ભાડૂતો તરફથી આંદોલનના માધ્મયથી દરેક પરિવારનો અવાજ રજૂ કરવામાં આવશે જેઓ દાયકાઓથી યોગ્ય પુનર્વિકાસ માટે રાહ જોઈ રહ્યા છે. આજના અમારા મહાઆંદોલનમાં બોરીવલીથી ચર્ચગેટ સુધીના પાઘડીના રહેવાસીઓ આઝાદ મેદાનમાં મોટી સંખ્યામાં ભેગા થશે જેમાં ભાડૂતો તરફથી તેમની પીડા અને સંઘર્ષની રજૂઆત કરવામાં આવશે જે તેઓ પેઢીઓઓથી સહન કરી રહ્યા છે. તેઓ તેમની ઇમારતોના સુરક્ષિત રીડેવલપમેન્ટ માટે નક્કર પગલાં લેવાની માગ કરશે.’

મુકેશ પેંડસેએ વધુમાં કહ્યું હતું કે ‘આ આંદોલનને મુંબઈ અને ઉપનગરોના ભાડૂતો-મંડળોની સાથે, માય માટી સેવા-ફાઉન્ડેશન, MHADA સંઘર્ષ કૃતિ સમિતિ, મુંબઈ રેલ પ્રવાસી સંઘ, નિવારા અભિયાન અને અન્ય અનેક નાગરિક અને કલ્યાણકારી જૂથો જેવાં અગ્રણી સામાજિક સંગઠનોએ મજબૂત ટેકો આપ્યો છે અને આ ઐતિહાસિક લડાઈમાં જોડાઈને એકતાનાં દર્શન કરાવશે. અમે દરેક પાઘડી-રહેવાસી અને ન્યાયમાં વિશ્વાસ રાખતા દરેક મુંબઈકરને આ ચળવળમાં જોડાવા માટે આહ‌્વાન કરીએ છીએ અને તમામ રાજકીય પક્ષો, NGO, કાર્યકરો અને જનપ્રતિનિધિઓના નેતાઓને આ જનઆંદોલનમાં અમારી સાથે ઊભા રહેવા વિનંતી કરીએ છીએ.’ 

mumbai news mumbai azad maidan property tax MHADA