સાઉથ આફ્રિકાથી આવતા પ્રવાસીઓએ હવે ફરજિયાત ક્વૉરન્ટીનમાં રહેવું પડશે

28 November, 2021 11:26 AM IST  |  Mumbai | Rohit Parikh

રાજ્ય સરકારે કોવિડ-19ના સ્ટ્રેઇનનું નામ બદલીને ઓમિક્રોન રાખ્યું 

મહારાષ્ટ્ર સરકારે બાંધી પાણી પહેલાં પાળ

રાજ્યમાં આવતા તમામ મુસાફરોએ વૅક્સિનના બન્ને ડોઝ લીધા હોવા જોઈશે તેમ જ બીજા ડોઝના ૧૪ દિવસ પછી જ તેઓ પ્રવેશ કરી શકશે અથવા તો ૭૨ કલાક માટે માન્ય આરટી-પીસીઆર ટેસ્ટ-રિપોર્ટ સાથે રાખવો પડશે : રાજ્ય સરકારે કોવિડ-19ના સ્ટ્રેઇનનું નામ બદલીને ઓમિક્રોન રાખ્યું 

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને શુક્રવારે સાઉથ આફ્રિકામાં સૌપ્રથમ શોધાયેલા કોવિડ-19ના સ્ટ્રેઇનને ગંભીર ચિંતાનો વિષય જાહેર કર્યો હતો અને એનું નામ બદલીને ઓમિક્રોન રાખ્યું હતું. આ જાહેરાત પછી મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ‌નિયંત્રણમાં આવેલી કોવિડની પરિસ્થિતિ ફરી વકરે નહીં એ માટે મહારાષ્ટ્ર સરકારના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટે આગ લાગે એ પહેલાં કૂવો ખોદવાનો નિર્ણય લીધો હતો. આથી ગઈ કાલે એક માર્ગદર્શિકા બહાર પાડીને કોઈ પણ આંતરરાષ્ટ્રીય ગંતવ્યથી રાજ્યમાં આવતા તમામ પ્રવાસીઓ આ સંદર્ભમાં ભારત સરકારના નિર્દેશો દ્વારા સંચાલિત થશે. રાજ્યમાં આવતા તમામ સ્થાનિક પ્રવાસીઓએ વૅક્સિનના બન્ને ડોઝ લીધા હોવા જોઈશે તેમ જ બીજા ડોઝના ૧૪ દિવસ પછી જ તેઓ રાજ્યમાં પ્રવેશ કરી શકશે અથવા તો આ પ્રવાસીઓએ ૭૨ કલાક માટે માન્ય આરટી-પીસીઆર ટેસ્ટ-રિપોર્ટ સાથે રાખવો પડશે એવી જાહેરાત કરી છે. મુંબઈ મહાનગરપાલિકાએ સાઉથ આફ્રિકાથી આવનારા પ્રવાસીઓ માટે ફરજિયાત ક્વૉરન્ટીનમાં રહેવાનું જાહેર કર્યું હતું. 
મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે ગઈ કાલે જાહેરાત કરી હતી કે ‘કોઈ પણ રીતે આઉટબાઉન્ડ ફ્લાઇટ્સ પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને દક્ષિણ આફ્રિકા, બોટ્સવાના, હૉન્ગકૉન્ગ અને ઇઝરાયલમાં મળી આવેલા ઓમિક્રોન નામના નવા કોરોનાવાઇરસના પ્રકારને કારણે દક્ષિણ આફ્રિકાથી શહેરમાં આવનારા તમામ લોકોની તપાસ કરવામાં આવશે અને તેમને ક્વૉરન્ટીન રાખવામાં આવશે. એટલું જ નહીં, મુસાફરો નવો કોરોનાવાઇરસ વેરિઅન્ટ લાવી રહ્યા છે કે કેમ એ તપાસવા માટે કેટલાક નમૂનાઓ જીનોમ સિક્વન્સિંગ માટે પણ મોકલવામાં આવશે.’ 
લોકો નવા કોવિડ વેરિઅન્ટ વિશે ચિંતિત છે એવી જાણકારી આપતાં કિશોરી પેડણેકરે કહ્યું હતું કે ‘ક્રિસમસ નજીકમાં છે અને વિશ્વભરમાંથી ઘણા લોકો મહારાષ્ટ્ર અને મુંબઈમાં તેમના પરિવારો સાથે આવશે. મહાનગરપાલિકા સાવચેતીનાં તમામ પગલાં લઈ રહી છે. આ પ્રકાર ઘણા દેશોમાં ચિંતાનો વિષય બની ગયો છે અને તેથી અમારે પણ તૈયાર રહેવાની જરૂર છે. આથી મુંબઈના નાગરિકોએ માસ્ક પહેરવાનું, સૅનિટાઇઝરનો ઉપયોગ કરવાનું અને સામાજિક અંતર જાળવવાનું ચાલુ રાખવું જરૂરી છે.’ 
મહારાષ્ટ્ર સરકારની કો‌વિડ ટાસ્ક ફોર્સના હેડ ડૉ. સંજય ઓકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને શુક્રવારે સાઉથ આફ્રિકામાં સૌપ્રથમ શોધાયેલા કોવિડ-19ના સ્ટ્રેઇનને ગંભીર ચિંતાનો વિષય જાહેર કર્યા બાદ આ નવા કો‌વિડ-19ના ખતરાને શમાવવા માટે વિશ્વભરના દેશો મુસાફરી પર પ્રતિબંધ લાદવા દોડી ગયા છે. આ જ રીતે મહારાષ્ટ્ર સરકારે આ વાતની ગંભીર નોંધ લીધી હતી.’ 
ડૉ. સંજય ઓકે વધુમાં કહ્યું હતું કે ‘એક બાજુ સરકારે છેલ્લા કેટલાક મહિનાથી રાજ્યમાં કોવિડના કેસ ઘટી રહ્યા હોવાથી હવે મહારાષ્ટ્રમાંથી કોવિડનાં નિયંત્રણોને દૂર કરીને ઇકૉનૉમિક, સોશ્યલ, એન્ટરટેઇન્ટમેન્ટ અને કલ્ચરલ પ્રવૃત્તિઓને થોડાં નિયંત્રણો સાથે ફરીથી શરૂ કરવાની પરવાનગી આપી છે તો બીજી બાજુ કો‌વિડ અપ્રોપિએટ બિહેવિયર હેઠળ જણાવ્યું છે કે કોઈ પણ ઇવેન્ટ કે નાના-મોટા કાર્યક્રમોમાં ડબલ વૅક્સિનેટેડ થયેલા લોકોએ જ હાજરી આપવી. આવી જ રીતે કંપનીઓ, સંસ્થાઓ, સંસ્થાપનો, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ આ નિયમોનું કડકપણે પાલન કરવું જરૂરી છે. કોવિન સર્ટિફિકેટ કે યુનિવર્સલ પાસ વગર કોઈને પણ પ્રવેશ આપવો નહીં. આ સિવાયના ‌નિયમો ડિવિઝનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ ઑથોરિટી નક્કી કરશે.’ 
ઓમિક્રોનનાં વાસ્તવિક જોખમો હજી સુધી સમજી શક્યા નથી, પરંતુ પ્રારંભિક પુરાવા સૂચવે છે કે એ અન્ય અત્યંત સંક્રમિત રોગોની તુલનામાં ફરીથી ચેપનું જોખમ વધારે છે એમ ડબલ્યુએચઓએ જણાવ્યું હતું. એ જાણકારી આપતાં ડૉ. સંજય ઓકે કહ્યું હતું કે ‘આ સંજોગોને ધ્યાનમાં રાખીને મુંબઈ અને મહારાષ્ટ્રના નાગરિકો માટે કો‌વિડ અપ્રોપિએટ બિહેવિયરના બધા જ નિયમોનું અમલીકરણ ફરજિયાત છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો વિરુદ્ધ ૫૦૦ રૂપિયાથી ૫૦,૦૦૦ રૂપિયા સુધીની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.’ 

શું છે નવી ગાઇડલાઇન?
માસ્ક પહેર્યા વિના ગ્રાહકને પ્રવેશ આપનારા દુકાનદારને ૧૦,૦૦૦ રૂપિયા તો દુકાનદારે માસ્ક નહીં પહેર્યો હોય તો ૫૦,૦૦૦ રૂપિયા દંડ કરાશે.
વૅક્સિનના બન્ને ડોઝ લઈને ૧૪ દિવસ થયા બાદ જ કોઈ પણ જાહેર કાર્યક્રમમાં કે લગ્ન-સમારંભમાં જઈ શકાશે.
દુકાન કે મૉલમાં ફુલ્લી વૅક્સિનેટેડ લોકોને જ એન્ટ્રી અપાશે.
બસ કે ટ્રેનમાં માત્ર ફુલ્લી વૅક્સિનેટેડ લોકો જ પ્રવાસ કરી શકશે.
ટૅક્સી કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ, ફોર-વ્હીલર કે બસમાં નિયમોનો ભંગ કરાશે તો ડ્રાઇવર-કન્ડક્ટરને ૫૦૦ રૂપિયા તો ટ્રાન્સપોર્ટ એજન્સીને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ કરાશે.
* રૂમાલ માસ્ક નહીં માનવામાં આવે. આથી રૂમાલનો માસ્ક તરીકે ઉપયોગ કરનારાઓને પણ દંડ કરવામાં આવશે.
* ૧૮ વર્ષથી નાની ઉંમરનાં બાળકોને સ્કૂલનું આઇડી કાર્ડ ચેક કરીને બસ-ટ્રેનમાં પ્રવેશ અપાશે. 

Mumbai mumbai news rohit parikh