કરે કોઈ, ભરે કોઈ

29 November, 2021 10:00 AM IST  |  Mumbai | Rohit Parikh

કોઈ ગ્રાહક દુકાનમાં માસ્ક પહેર્યા વગર આવે તો દુકાનદારને ૧૦,૦૦૦નો દંડ કરવાના સરકારના નવા નિયમથી વેપારીઓ વીફર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે શું મંત્રાલયમાં કોઈ માસ્ક પહેર્યા વગર જશે તો મિનિસ્ટર દંડ ભરશે?

ગઈ કાલે ધારાવીની એક દુકાનમાં માસ્ક પહેર્યા વગર ઊભેલા ગ્રાહકો અને દુકાનદાર.

દક્ષિણ આફ્રિકા, બોટ્સવાના, હૉન્ગકૉન્ગ, યુકે, જર્મની અને ઇઝરાયલ સહિતના દેશોમાં મળી આવેલા ઑમિક્રૉન નામના નવા કોરોનાવાઇરસે જગતમાં ફફડાટ ફેલાવી દીધો છે. એને કારણે શનિવારે મહારાષ્ટ્ર સરકારે એની નવી ગાઇડલાઇન્સમાં દુકાનમાં આવનાર ગ્રાહકે માસ્ક નહીં પહેર્યો હોય તો દુકાનદારને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ અને દુકાનદારે નહીં પહેર્યો હોય તો ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ થશે એવી કરેલી જાહેરાત સાથે જ દુકાનદારોમાં ગભરાટ અને આક્રોશ ફેલાયો છે. 
સરકારના આ નિયમનો વિરોધ કરતો એક મેસેજ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર ફર્યો હતો. એમાં દુકાનદારોએ તેમના સાથીદારોને સાવધાન કરતાં કહ્યું હતું કે ‘સરકારના આ નિયમથી સરકારી અધિકારીઓને કમાવાની તક નિર્માણ થઈ છે. તેઓ માસ્ક વગરનો ડમી માણસ દુકાન, ઑફિસ કે કમર્શિયલ જગ્યાએ મોકલાવશે અને ૧૦,૦૦૦ રૂપિયાનો ફાઇન ભરવાનું કહેશે. એ પછી પાંચ હજાર કે સાત હજારમાં સેટિંગ કરી શકે છે. એટલે ગફલતમાં રહેતા નહીં. અંધેર નગરી અને રાજાનાં ઠેકાણાં નથી એટલે પોતે સાવધાન રહેવું હિતમાં છે.’ 
સરકારના નિયમોમાં કહેવાયું છે કે માસ્કને બદલે રૂમાલ નહીં ચાલે. એનો વિરોધ કરતાં મેસેજમાં કહેવાયું છે કે જે કપડામાંથી માસ્ક બનતો હોય એ જ કપડાના રૂમાલને નાક-મોઢા પર ઢાંકવાથી માસ્ક નહીં ગણાય અને દંડ ભરવો પડશે. આવું બધું શા માટે? વિચાર કરો અને પોતે સાવધાન રહો.
ગ્રાહકની ભૂલનો ભોગ દુકાનદાર કેમ બને એવો સવાલ પૂછતાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના મહાનગર અધ્યક્ષ અને ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સરકારના આ નિયમોની દુકાનદારો અને નાના વેપારીઓને જાણ થતાં જ દુકાનદારોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. બે વર્ષથી કોરાનાકાળમાં અત્યંત ખરાબ રીતે પ્રભાવિત વેપાર-ધંધા ધીરે-ધીરે પાટા પર પાછા આવી રહ્યા છે ત્યારે સરકારની આ ગાઇડલાઇનથી વેપારીઓ ચોંકી ગયા છે. ગુનો કોઈ કરે અને એની સજા કોઈને એ ક્યાંનો ન્યાય છે. સરકાર આર્થિક મુસીબતમાં આવી ગયેલા વેપારીઓને સહાયરૂપ થવાને બદલે પડતાને પાટું મારવાનું કામ કરી રહી છે જે વેપારીઓ માટે અન્યાયકારક છે. સરકારે માસ્ક માટે જનજાગૃતિ લાવવા ગ્રાહકોને માસ્ક પહેરવાથી શું ફાયદો છે એની લોકોને જાણકારી આપવી જોઈએ. દંડની રકમ એવી હોવી જોઈએ જેથી લોકો તેમની આદતમાં સુધારો કરવા તૈયાર થાય.’   
ગ્રાહકોની ભૂલ માટે દુકાનદારો પર દંડાત્મક કાર્યવાહી કરવાથી દુકાનદારોની કમર તૂટી જશે અથવા તેમને તેમના વ્યાપારને બંધ કરવાની નોબત આવશે એમ જણાવતાં શંકર ઠક્કરે કહ્યું હતું કે ‘શું રાજ્ય સરકાર મંત્રાલયમાં કે મહાનગરપાલિકાની ઑફિસમાં આમઆદમી માસ્ક વગર જશે તો એના માટે સંબંધિત અધિકારીને કે સંબંધિત પ્રધાનને દંડ કરશે? તો પછી આ અન્યાય દુકાનદારોની સાથે જ કેમ?’ 
માસ્ક પહેરવો એ ચોક્કસ રક્ષણ છે, પરંતુ એના માટેના દંડનો નિયમ ફક્ત સરકારની તિજોરી ભરવા માટે કે ઇન્સ્પેક્ટરરાજને પ્રોત્સાહન મળે એના માટે ન હોવો જોઈએ એમ જણાવતાં ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના અધ્યક્ષ વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘‌‌કોવિડ યોગ્ય વર્તણૂક નિયમ અંતર્ગત જો એક વ્યક્તિ જાહેર સ્થળે માસ્ક પહેરતી નથી કે નિયમનું પાલન કરતી નથી તો તેને ૨૦૦ રૂપિયાનો દંડ અને દુકાનદારને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ - આ નિયમ અચરજ પમાડે છે, અન્યાયરૂપ લાગે છે. અમે સમજી શકીએ છીએ કે જાહેર સ્થળોએ બધા માટે માસ્ક ફરજિયાત છે અને આપણે બધાએ એ સુનિશ્ચિત કરવું પડશે કે દરેક વ્યક્તિએ બધાની સુરક્ષા માટે માસ્ક પહેરવા જોઈએ, પરંતુ ગ્રાહકની ભૂલ માટે એક દુકાનદાર પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા દંડની વસૂલી અમને દુકાનદારોને સ્વીકાર્ય નથી, કારણ કે આ નિયમ અરાજકતા, ઝઘડા, દલીલો અને ભ્રષ્ટાચાર તરફ દોરી જશે. આ નિયમ ઇન્સ્પેક્ટરરાજને આમંત્રણ આપશે. અમે આવા કઠોર પગલાનો સખત વિરોધ કરીએ છીએ. મહારાષ્ટ્રમાં અશાંતિ ટાળવા માટે સરકારે આવા કઠોર આદેશ પર પુનર્વિચાર કરીને ગેરવાજબી દંડના આદેશને પાછો ખેંચી લેવો જોઈએ એવી અમે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને વિનંતી કરી છે.’
કોઈ પણ કાયદો નાના દુકાનદારોને ટાર્ગેટ કરવા સરકાર કેમ બનાવે છે એમ જણાવીને આશ્ચર્ય વ્યક્ત કરતાં ફેડરેશન ઑફ મુંબઈ રીટેલ ક્લોથ ડીલર્સ અસોસિએશનના સેક્રેટરી હરેન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેપારીઓ દેશ પર કે રાજ્ય પર આવતી કુદરતી આફતો સમયે સરકારની સાથે ખભેખભા મિલાવીને તન, મન અને ધનથી સાથે રહે છે. એ જ વેપારીઓ હંમેશાં સરકારી અધિકારીઓ દ્વારા બનતા ગેરવાજબી કાયદાઓનો ભોગ બનતા રહે છે. અત્યારે પણ સરકારના નવા નિયમનો સૌથી પહેલો ટાર્ગેટ દુકાનદારો બનશે. અમે સરકારના નવા આદેશ સાથે સહમત નથી. અમે અમારી દુકાનો પર સ્પષ્ટ લખીએ છીએ કે માસ્ક વગર પ્રવેશ નથી. આમ છતાં આ નવા નિયમોનું અમલીકરણ ગ્રાહકો કરે એના માટે અમે અમારી દુકાનમાં એક બૉક્સમાં માસ્ક રાખીને અમારા ગ્રાહકને પ્રવેશ આપતાં પહેલાં પહેરવાનો આગ્રહ કરીશું. આમ છતાં ગ્રાહકો ન માને તો સરકારી અધિકારીઓએ એના માટે અમને દોષી ઠેરવીને અમારા પર દંડાત્મક કાર્યવાહી ન કરવી જોઈએ.’ 
મંત્રાલયમાં કોઈ વિઝિટર માસ્ક વગર હશે તો તે પ્રધાને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે? બૅન્કમાં કોઈ ગ્રાહક માસ્ક વગર હશે તો તે બૅન્ક-મૅનેજરને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે? કોર્ટમાં કોઈ માસ્ક વગર હશે તો જજે ૧૦,૦૦૦નો દંડ ભરવાનો આવશે? વિમાનમાં કોઈ યાત્રી માસ્ક વગર દેખાશે તો પાઇલટ પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા કોણ વસૂલ કરશે? આવા સવાલો ઉઠાવતાં ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડના સેક્રેટરી મિતેષ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો આ બધા બાકાત હોય તો ફક્ત ને ફક્ત દુકાનદારોને જ કેમ દંડ? આનાથી સરકારી અધિકારી દુકાનદારોને હેરાન કરી ફક્ત પૈસા પડાવવાનું અને રિશવતખોરી કરીને હેરાન કરશે. આવાં ભેદભાવભર્યાં ધોરણો સામે અમારો સખત વિરોધ છે.’ 

સરકારનો આ તે કેવો ન્યાય?
ગઈ કાલના સરકારના નવા નિયમો બાદ ધારાવી વિસ્તારમાં નાકાબંધી કરીને લોકો સાથે થઈ રહેલા અન્યાયની માહિતી આપતાં માટુંગાના એક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વિસ્તારમાં દુકાનદારો કે રોડ પર ફરી રહેલા રહેવાસીઓ બિન્દાસ માસ્ક વગર ફરતા હોય છે. આમ છતાં આ દુકાનદારો કે તેમના ગ્રાહકો કે રોડ પર ફરતા રહેવાસીઓ સામે કોઈ પણ અધિકારી દંડાત્મક કાર્યવાહી કરતો નથી, પરંતુ ગઈ કાલે કારમાં માસ્ક વગર જઈ રહેલા લોકોને નાકાબંધી કરીને પોલીસ હેરાન કરીને દંડાત્મક કાર્યવાહી કરી રહી હતી. સરકારનો આ તે કેવો ન્યાય?’

 આ નિયમો સરકારે બનાવ્યા છે, અમે નહીં. આ બાબતની સ્પષ્ટતા તમને એમની પાસેથી જ મળશે.
સુરેશ કાકાણી, સુધરાઈના ઍડિશનલ કમિશનર (હેલ્થ)

Mumbai mumbai news rohit parikh