14 September, 2025 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર: આશિષ રાજે
પ્રભાદેવી અને પરેલને જોડતા એલ્ફિન્સ્ટન બ્રિજને તોડીને નવો બનાવવાનો હોવાથી શુક્રવાર મધરાતથી એ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો. એની અસર બીજા દિવસે એટલે કે ગઈ કાલે શનિવારે દિવસભર જોવા મળી હતી. ગઈ કાલે વાહનચાલકોએ વિકલ્પ તરીકે લોઅર પરેલ બ્રિજનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું એટલે બ્રિજ પર વાહનો બમ્પર ટુ બમ્પર ટ્રાફિક જૅમમાં અટવાયેલાં જોવા મળ્યાં હતાં. ટ્રાફિક-પોલીસ સતત ત્યાં ટ્રાફિકનું નિયમન કરતા જોવા મળ્યા હતા. બ્રિજ પર જૅમમાં અટવાયેલા વાહનચાલકોએ સિગ્નલ પર પણ અટકવું પડતું હતું એટલે અકળાતા હતા અને આવું હવે કેટલો વખત ચાલુ રહેશે, કેટલો વખત હેરાન થવું પડશે એની જીભાજોડી કરી બળાપો કાઢતા હતા.
લોઅર પરેલ બ્રિજની એક લેન એન. એમ. જોશી માર્ગ પર ઊતરે છે જે આગળ જઈને કરી રોડ બ્રિજને મળે છે અને એ પછી રાઇટ મારીને કરી રોડ બ્રિજથી ઈસ્ટમાં ડૉ. આંબેડકર માર્ગ પર ઊતરે છે. એથી બ્રિજ પરથી આવ્યા બાદ પણ બે સિગ્નલ પર તો અટકવું પડે છે. એથી વધુ ટ્રાફિક જૅમ થાય છે. ટ્રાફિક-પોલીસ બન્ને સિગ્નલ પર સતત ફરજ બજાવીને ટ્રાફિક-મૂવમેન્ટ સરળતાથી ચાલતી રહે એ માટે પ્રયાસ કરી રહી હતી. એમાં ગઈ કાલે તો શનિવાર હતો. પ્રભાદેવી અને લોઅર પરેલમાં આવેલી કૉર્પોરેટ ઑફિસોમાં શનિ-રવિ રજા હોય છે. એથી સોમવાર પછી વીક-ડેઝમાં આ પરિસ્થિતિ વધુ વણસી શકે એવી શક્યતાઓ જોવાઈ રહી છે.