મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ફરી ગૅસ-ટૅન્કરને કારણે ટ્રાફિક જૅમ

24 February, 2026 09:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમૃતાંજન બ્રિજ પર ૩૦ મિનિટ સુધી વાહનો અટવાયાં

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર સોમવારે સવારે ફરી એક ગૅસ-ટૅન્કરનો અકસ્માત થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. એને કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ૪ ફેબ્રુઆરીએ ૩૨ કલાક માટે ટ્રાફિક જૅમ સર્જાયો હતો એની યાદ ફરી તાજી થઈ ગઈ હતી. સોમવારે અમૃતાંજન બ્રિજ પાસે એક પ્રોપિલીન ગૅસ-ટૅન્કર રસ્તાની બાજુમાં મૂકેલા બૅરિયર સાથે અથડાઈ જતાં એક્સપ્રેસવે પર ટ્રાફિક થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો.

હાઇવે ટ્રાફિક-પોલીસના જણાવ્યા મુજબ ખંડાલા ઘાટ પર અમૃતાંજન બ્રિજ ઊતરતી વખતે ઢાળ પર ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બ્રેક ફેલ થવાને કારણે ટૅન્કર રસ્તા પરથી ઊતરી ગયું હતું, 

ક્રૅશ-બૅરિયર સાથે અથડાયું હતું અને પછી અટકી ગયું હતું એવી પ્રાથમિક માહિતી પોલીસે આપી હતી. આ બનાવમાં કોઈને ઈજા થઈ નહોતી અને કોઈ ગૅસ-લીકેજ પણ ન થયું હોવાથી દુર્ઘટના ટાળી શકાઈ હતી.

ટ્રાફિક-પોલીસ અને ફાયર-બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરીને ૩૦ મિનિટમાં ટૅન્કરને રસ્તા પરથી હટાવ્યું હતું. દરમ્યાન મુંબઈ તરફ જતી ત્રણ લેનમાં વાહનોની ભીડ થઈ ગઈ હતી. ટૅન્કર હટાવ્યા પછી ધીમી ગતિએ કૅરેજવેનો ટ્રાફિક છોડવામાં આવ્યો હતો.

mumbai news mumbai mumbai pune expressway mumbai traffic mumbai traffic police pune news pune