ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એલિવેટેડ રોડનું કામ શરૂ થતાં ટ્રૅફિક જૅમની સમસ્યા વધવાની શક્યતા

07 April, 2025 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યારે તો ઘાટકોપરથી મુલુંડ વચ્ચે તૈયાર થનારા આ રસ્તાના સૉઇલ ટેસ્ટિંગના કામ માટે અમુક જગ્યાએ બૅરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (EEH) પર ઘાટકોપરથી મુલુંડ-ઈસ્ટના આનંદનગર સુધીના ૧૩.૪ કિલોમીટર લાંબા એલિવે‌ટેડ રોડનું સૉઇલ ટેસ્ટિંગનું કામ શરૂ થઈ ગયું છે અને એના માટે ઘણી જગ્યાએ બૅરિકેડિંગ કરી દેવામાં આવ્યું હોવાથી આ રસ્તે પ્રવાસ કરનારાનાઓને ટ્રૅફિક જૅમનો સામનો કરવો પડી શકે છે.

૩૩૧૪.૪૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા બ્રિજનું સૉઇલ ટેસ્ટિંગ કર્યા બાદ એના રિપોર્ટના આધારે કન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવશે. EEHનો ટ્રૅફિક હળવો કરવા માટે આ એલિવેટેડ રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ રોડનું પુરજોશમાં કામ શરૂ થઈ જશે ત્યારે કાંજુરમાર્ગ-ઈસ્ટ અને મુલુંડ ઑક્ટ્રૉયનાકા પર ધસારાના સમયે ટ્રૅફિક જૅમ થવાની ભારોભાર શક્યતા છે. 

આ એલિવેટેડ રોડ પર મહત્ત્વનાં સ્થળોએ એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ બનાવવામાં આવ્યા છે જેમાં છેડાનગર, કાંજુરમાર્ગ, ઐરોલી બ્રિજ અને મુલુંડ ઑક્ટ્રૉયનાકાનો સમાવેશ છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા બનાવવામાં આવી રહેલા આ એલિવેટેડ રોડને પૂરો કરવાની ડેડલાઇન ડિસેમ્બર ૨૦૨૮ છે.

mumbai news mumbai eastern express highway mumbai traffic mumbai traffic police