ધુળેટી રમીને પાછા ફરતા પરિવાર પર પનવેલમાં ટૅન્કર ફરી વળ્યું : પતિ, પત્ની અને ૧૦ વર્ષના દીકરાનાં મોત

16 March, 2025 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાછા ફરતી વખતે તેમના પર ટૅન્કર ફરી વળતાં ધુળેટીના રંગમાં લોહીનો રંગ ફરી વળ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

મૂળ સુરતનો પણ હાલ નવી મુંબઈના કામોઠેમાં રહેતો પરિવાર ધુળેટી રમવા ખોપોલી ગયો હતો. પાછા ફરતી વખતે તેમના પર ટૅન્કર ફરી વળતાં ધુળેટીના રંગમાં લોહીનો રંગ ફરી વળ્યો હતો. આંનદ-ઉલ્લાસની જગ્યાએ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 

નવી મુંબઈના કામોઠેના સેક્ટર ૧૮માં રહેતા અને નજીકમાં સ્નૅક્સની દુકાન ધરાવતા શોભિત સતીશ સલુજાના પરિવાર સાથે આ દુર્ઘટના થઈ હતી. શોભિતનાં માતા-પિતા કળંબોલીમાં રહે છે. પનવેલ તાલુકા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ગજાનન ઘાડગેએ ‘મિડ-ડે’ને આ અકસ્માત વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘શોભિત સતીશ સલુજા તેની ૩૩ વર્ષની પત્ની શૈલજા અને ૧૦ વર્ષના દીકરા આયાનને લઈને શુક્રવારે બપોરે સંબંધીને ઘરે હોળી રમવા ઍક્ટિવા પર ખોપોલી ગયાં હતાં. તેઓ રાતે પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે ૧૦ વાગ્યે મુંબઈ-પુણે ઓલ્ડ હાઇવે પર કોનગાંવ પાસે આ અકસ્માત થયો હતો. એક કન્ટેનરને ઓવરટેક કરવા જતાં ટૅન્કર-ડ્રાઇવરે શોભિતની ઍક્ટિવાને લેફ્ટ સાઇડથી ટક્કર મારી હતી. એથી બૅલૅન્સ ગુમાવી તેઓ ત્રણે નીચે પટકાયાં હતાં. ટૅન્કરનું પાછળનું પૈડું તેમના પરથી ફરી વળ્યું હતું. શોભિતનું સ્પૉટ પર જ નિધન થઈ ગયું હતું, જ્યારે ગંભીર ઈજા પામેલી તેની પત્ની અને દીકરાને સરકારી હૉસ્પિટલ લઈ જવાયાં હતાં. જોકે હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર દરમ્યાન તેઓ બન્ને પણ મૃત્યુ પામ્યાં હતાં. અમે ૪૪ વર્ષના ટૅન્કર-ડ્રાઇવર ગહીનાથ કુંડલિક ગરજેને ઝડપી લીધો હતો અને તેની સામે ગુનો નોંધી કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને આ બેલેબલ ઑફેન્સ હોવાથી જામીન પર છોડ્યો હતો.’ 

mumbai news mumbai navi mumbai road accident surat gujarati community news