15 October, 2026 07:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈના ગોરેગાંવ (પૂર્વ)માં એક દુઃખદ ઘટના બની છે. અહીં એક ૧૦ વર્ષની બાળકીએ ૧૮ મહિનાના નવજાત નાના બાળકને ઈમારત પરથી નીચે ફેંકી દીધો હોવાના અહેવાલ છે. આ ઘટનામાં બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસે નજીકના CCTV કૅમેરાના ફૂટેજ તપાસ્યા ત્યારે આ ઘટનાની જાણ થઈ. ફૂટેજમાં ૧૦ વર્ષની બાળકી બાળકને ઉઠાવીને ઈમારત પરથી નીચે ફેંકતી જોવા મળે છે. આ ફૂટેજના આધારે પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે અને હાલમાં કેસના અન્ય પાસાઓની તપાસ કરી રહી છે.
પોલીસે આ ઘટનાના સંદર્ભમાં `અકસ્માતે મૃત્યુનો અહેવાલ` (Accidental Death Report - ADR) નોંધ્યો છે. દિંડોશી પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ૧૦ વર્ષની બાળકીએ આવું કૃત્ય શા માટે કર્યું, અને ઘટના સમયે આસપાસ અન્ય કોણ હાજર હતું તેની પણ ઓળખ કરવામાં આવી રહી છે.
થાણે (Thane) જિલ્લાના ગીચ વસ્તી ધરાવતા ઉલ્હાસનગર (Ulhasnagar) રેલવે સ્ટેશન પરિસર બહાર બુધવારે રાત્રે (૧૪ ઓક્ટોબર ૨૦૨૬) અજાણ્યા હુમલાખોરોએ એક શખ્સ પર અંધાધૂંધ ગોળીબાર કરી અને છરીના ઘા ઝીંકીને તેની નિર્મમ હત્યા કરી દીધી હતી. વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશન (Vitthalwadi Police Station)ની હદમાં આવેલા કૅમ્પ-૪ વિસ્તારમાં રાત્રે આશરે ૮:૩૦ વાગ્યે બનેલી આ સનસનાટીભરી ઘટનાને પગલે મુસાફરો અને સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ (Ulhasnagar Railway Station Murder) ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. મૃતકની ઓળખ હરીશ ગજવાણી (Harish Gajwani) તરીકે થઈ છે. પોલીસ (Mumbai Police)એ પુષ્ટિ કરી છે કે ગજવાણી ભૂતકાળના એક મર્ડર કેસમાં જામીન પર બહાર આવેલો આરોપી હતો અને સ્ટેશન નજીક અનેક હુમલાખોરોએ તેને નિશાન બનાવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસના પ્રાથમિક ખુલાસા અનુસાર, ગજવાણી જ્યારે સ્ટેશન પરિસર નજીકથી ચાલીને જઈ રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ તેને રોક્યો હતો. આરોપીઓએ પ્રથમ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેના માથામાં પોઈન્ટ-બ્લેન્ક રેન્જ (અતિ નજીકથી) પર બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેના કારણે તે સ્થળ પર જ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યો હતો. અચાનક થયેલા આ ગોળીબારથી વ્યસ્ત સ્ટેશન વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી, જેનો લાભ ઉઠાવીને ગુનેગારો ભાગતી ભીડમાં ભળી ગયા હતા અને ફરાર થવામાં સફળ રહ્યા હતા. ઈમરજન્સી કોલ મળ્યાના થોડા જ સમયમાં પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, ગુનાના સ્થળને સીલ કરી દીધું હતું અને ગજવાણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉલ્હાસનગરની મધ્યસ્થ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.