31 March, 2026 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન રેલવેમાં ગઈ કાલે સવારે ટ્રેનો મોડી પડતાં પ્રવાસીઓની હાલત કફોડી બની હતી. સવારના પીક-અવર્સ દરમ્યાન વિરારથી ચર્ચગેટ જતી ટ્રેનો અડધો કલાક મોડી પડતાં અનેક પ્રવાસીઓ હેરાન-પરેશાન થયા હતા અને તેમણે સોશ્યલ મીડિયા પર તેમનો રોષ ઠાલવ્યો હતો. એમાં વળી રેલવે દ્વારા પણ શાને કારણે ટ્રેનો અટકી છે એની સ્પષ્ટ માહિતી અનાઉન્સમેન્ટ કરીને આપવામાં આવી ન હોવાથી લોકોમાં ભારે ગુસ્સો હતો. રવિવારે વેસ્ટર્ન રેલવેમાં કાંદિવલી અને બોરીવલી વચ્ચે રેલવે-બ્રિજનું ડી-ગર્ડરિંગ કરવામાં આવ્યું હતું જેને કારણે કુલ ૩૦૦ ટ્રેનો રદ થઈ હતી અને સોમવારે આ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનો પર સ્પીડ-રિસ્ટ્રિક્શન મૂકવાને કારણે ટ્રેનો મોડી પડી હોવાની સ્પષ્ટતા રેલવેના અધિકારીઓએ કરી હતી.
ગોરેગામ અને બોરીવલીથી ઊપડતી ૯.૩૫ની AC લોકલ ટ્રેન કૅન્સલ કરવામાં આવી હતી અને ભાઈંદરથી ચર્ચગેટ જતી ફાસ્ટ ટ્રેનો પણ ૨૦થી વધુ મિનિટ મોડી દોડી હતી. ૯.૦૬ની ભાઈંદરથી ઊપડતી ટ્રેન પચીસ મિનિટ મોડી ઊપડી હતી. ચર્ચગેટથી બોરીવલી જઈ રહેલી ટ્રેનો પહેલાં મલાડ-કાંદિવલી વચ્ચે અટકી હતી અને એ પછી કાંદિવલી-બોરીવલી વચ્ચે ફરી અટકી હતી.
વેસ્ટર્ન રેલવેએ ગઈ કાલના ડિલેનું કારણ આપતાં કહ્યું હતું કે બોરીવલી-કાંદિવલી વચ્ચે આવતી-જતી સ્લો ટ્રેનના ટ્રૅક પર સ્પીડ-રિસ્ટ્રિક્શન મુકાયું છે અને એ જ રીતે ખાર-બાંદરા વચ્ચે ફાસ્ટ ટ્રૅક પર સ્પીડ-રિસ્ટ્રિક્શન મુકાયું હોવાથી ટ્રેનો મોડી પડી હતી.