‘કિન્નર પણ સુરક્ષિત નહીં’: તૃતીય પંથીએ જાતીય હુમલો થતાં રસ્તા પર નગ્ન થઈ કર્યો વિરોધ

03 September, 2025 03:50 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent

તૃતીય પંથી જાહેર રસ્તા પર નગ્ન હાલતમાં ફરતો જોવા મળ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સાથે માહિતી આપવામાં આવી છે કે, આ તૃતીય પંથી સાગરનો રહેવાસી છે અને તેણે જણાવ્યું હતું કે તેઓ કોઈ કામ માટે ટીકમગઢ આવ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર અને વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)

મધ્યપ્રદેશના ટીકમગઢમાં એક ખરેખર લોકોની સુરક્ષા પર ગંભીર પ્રશ્ન ઊભા કરતી અને બધાને હચમચાવી દેય તેવી ઘટના સામે આવી છે. અહીં એક તૃતીય પંથી (ટ્રાન્સજેન્ડર) દ્વારા તેના પર કથિત રીતે જાતીય અને શારીરિક હુમલો થયો હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો, અને જ્યારે તેની વાતોને અવગણવામાં આવી ત્યારે તેણે ભીડવાળા રસ્તા પર જાહેરમાં પોતાના કપડાં કાઢીને નગ્ન થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને લઈને હવે ઘટના પ્રકાશમાં આવી છે.

તૃતીય પંથી જાહેર રસ્તા પર નગ્ન હાલતમાં ફરતો જોવા મળ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સાથે માહિતી આપવામાં આવી છે કે, આ તૃતીય પંથી સાગરનો રહેવાસી છે અને તેણે જણાવ્યું હતું કે તેઓ કોઈ કામ માટે ટીકમગઢ આવ્યા હતા. મોડી રાત્રે તેઓ ઘડિયાળ ટાવર પાસે હતા ત્યારે એક વ્યક્તિએ તેમને બળજબરીથી ટ્રક પાછળ લઈ જઈને તેમનું શોષણ અને જાતીય હુમલો કરવાનો પ્રયાસ કર્યો.

જ્યારે પીડિતે પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો. આ ઘટનાથી તે તૃતીય પંથી ગુસ્સે થઈ ગયો અને પછી તેણે તેના બધા કપડાં કાઢી નાખ્યા અને વિરોધ કરવાનું શરૂ કર્યું. રસ્તા પર રહેલા લોકોએ તૃતીય પંથીને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો અને તેમને કપડાં પહેરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ગુસ્સે ભરાયા અને નજીકની મોટરસાઇકલમાં તોડફોડ કરવાનું અને લોકો પર પથ્થરમારો કરવાનું શરૂ કર્યું. દરમિયાન ટીકમગઢ કોતવાલી સ્ટેશનની પોલીસે આ મામલે દરમિયાનગીરી કરી હતી. તેઓ પીડિતને કપડાં પહેરાવવામાં સફળ રહ્યા અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ટ્રાન્સજેન્ડર વ્યક્તિની ફરિયાદના આધારે, પોલીસે આરોપી વ્યક્તિ સામે કેસ નોંધ્યો છે જેણે તેમના પર હુમલો કરવાનો અને માર મારવાનો પ્રયાસ કર્યો હતો.

`કિન્નર ભી સુરક્ષિત નહીં,` કૉંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું

આ મામલો કૉંગ્રેસના મીડિયા ઉપાધ્યક્ષ અવનીશ સિંહ બુંદેલાના ધ્યાનમાં પણ આવ્યો હતો. તેમણે મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવનું ધ્યાન દોરતા તેમના સત્તાવાર ઍક્સ હૅન્ડલ પર આ ઘટના અંગે વાત કરી હતી. તેમણે કહ્યું, "મોહન યાદવજી, જો તમારા શાસનમાં એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ પણ સુરક્ષિત નથી, તો તમે મહિલાઓની દુર્દશાની કલ્પના કરી શકો છો. આ શરમજનક છે." ઘટનાને લઈને હવે સોશિયલ મીડિયા પર લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકો આરોપી સામે કડક કાર્યવાહી કરવા સાથે ટ્રાન્સજેન્ડરને ન્યાય મળે તેવી માગણીઓ કરી રહ્યા છે. જોકે આ ઘટનાએ લોકોની અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓની સુરક્ષા પર પ્રશાસન દ્વારા થતી બેદરકારી પર પણ પ્રકાશ પાડ્યો છે.

lesbian gay bisexual transgender sexual crime madhya pradesh congress national news