05 October, 2026 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ અને વિરાર વચ્ચે ભારતમાં વિકસાવવામાં આવેલી ઑટોમૅટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ ‘કવચ’નું પાંચમું વર્ઝન કવચ 5.0 લાગુ કરવા માટે ૨૦૨૬ની ડિસેમ્બર સુધીનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. જોકે રેલવેનાં સૂત્રોથી મળેલી માહિતી મુજબ કવચ 5.0ની ટ્રાયલ માર્ચ ૨૦૨૭ પહેલાં શક્ય નથી જેને પગલે આ સિસ્ટમ ઉપયોગમાં લેવાય એ ૨૦૨૭ જૂન પહેલાં શક્ય ન હોવાનું કહેવાઈ રહ્યું છે.
શરૂઆતમાં બોરીવલી અને વિરાર દરમ્યાન ચાર સ્ટેશન પર માર્ચ મહિનાથી આ સિસ્ટમની ટ્રાયલ થાય એવી શક્યતા છે. ૨૦૨૭ જૂન પહેલાં એ પૂરી થાય એવી શક્યતા ખૂબ ઓછી હોવાથી સિસ્ટમ અમલમાં લાવવામાં મોડું થશે.
બોરીવલીમાં ઇલેક્ટ્રૉનિક ઇન્ટરલૉકિંગ બિલ્ડિંગ બની રહ્યું છે એનું કામ પૂરું થાય ત્યાર પછી જ કવચ 5.0ની ટ્રાયલ શરૂ કરી શકાશે. મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP)ના ભાગરૂપે પાંચમી અને છઠ્ઠી લાઇન બનાવવામાં આવી રહી છે એના માટે બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે.
શું છે કવચ 5.0ની વિશેષતાઓ?
ઉપનગરમાં પ્રવાસીઓની સંખ્યા વધુ હોય અને જ્યાં ટ્રેનો ઓછા અંતરાલમાં વધુ સંખ્યામાં દોડતી હોય એવાં સ્ટેશનો માટે કવચ 5.0ને વિકસાવવામાં આવ્યું છે અને એના કારણે ઉપનગર વિસ્તારમાં પ્રવાસીઓની સુરક્ષામાં વધારો થશે.
ફિક્સ બ્લૉક સિગ્નલને બદલે મૂવિંગ બ્લૉક સિગ્નલની મદદ લેવાશે જે બે ટ્રેન વચ્ચેના અંતરને સતત લોકેટ કરીને બન્ને ટ્રેન વચ્ચે ઓછું અંતર રાખવા માટે કામ કરશે જેથી ટ્રેનો વચ્ચેનું અંતર ઘટાડીને ફ્રીક્વન્સી વધારી શકાશે.
ટ્રેન-અકસ્માતોની શક્યતા ખૂબ ઘટશે.
ટ્રેનોની ફ્રીક્વન્સીમાં પણ ૩૦ ટકાનો વધારો થઈ શકશે.
બે ટ્રેનો વચ્ચે સુરક્ષિત અંતર રહેશે.
સ્થળ કયું છે એ મુજબ સ્પીડ અને બ્રેકિંગને કન્ટ્રોલ કરી શકે એ બધાં જ ફિચર્સ કવચ 5.0માં છે.