બિગ બીની જુહુની સોસાયટીમાં બબાલ

31 May, 2022 09:03 AM IST  |  Mumbai | Dipti Singh

બચ્ચન્સ ઉપરાંત અજય દેવગન જ્યાં રહે છે એ જુહુની કપોળ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા લેખક સિદ્ધાર્થ સંઘવીએ હાઇ -પ્રોફાઇલ સોસાયટી સામે અનેક ગેરરીતિની કરી છે ફરિયાદ : આને પગલે વિવાદ થવાની છે શક્યતા

હાઇ-પ્રોફાઇલ સોસાયટીઓમાં ચાલતી ગેરરીતિ સપાટી પર આવી

જયા અને અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય અને આભિષેક બચ્ચન તથા કાજોલ અને અજય દેવગન જેવી બૉલીવુડની ટોચની હસ્તીઓનાં ઘર છે એવી મુંબઈની કેટલીક પ્રખ્યાત અને હાઇ-પ્રોફાઇલ સોસાયટીઓમાં એક મોટો વિવાદ ઊભો થઈ રહ્યો હોય એમ જણાઈ રહ્યું છે.

લેખક સિદ્ધાર્થ ધનવંત સંઘવી અને કપોળ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના અન્ય ત્રણ રહેવાસીઓએ સોસાયટીના પદાધિકારીઓ સામે ભ્રષ્ટાચાર, સ્પેશ્યલ જનરલ બૉડી મીટિંગ (એસજીએમ)ની ખોટી મિનિટ્સ રજૂ કરવી તેમ જ સોસાયટીના સભ્યો અને ભાડૂતોને તેમની જ પ્રૉપર્ટીના દસ્તાવેજો કથિત રીતે ઍક્સેસ કરવા કે એની સમીક્ષા કરતાં અટકાવવા જેવી વિવિધ ગેરરીતિઓના આક્ષેપ મૂક્યા છે. એક રહેવાસીએ આ સંબંધે કોર્ટમાં રજૂઆત કરી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર પાસે ફરિયાદ નોંધાવી છે, જ્યારે સિદ્ધાર્થ સંઘવીએ ગેરરીતિસઓને ટાંકીને સોસાયટીના પદાધિકારીઓને બે કાનૂની નોટિસ મોકલાવી છે.

સિદ્ધાર્થ સંઘવીએ જણાવ્યું કે ‘મારો જન્મ અને ઉછેર આ જ સોસાયટીમાં થયો છે. મે, ૨૦૨૨માં મેં ડિજિટલ ફૉર્મેટમાં ફેરવવા માટે સોસાયટીના સેક્રેટરી ગૌતમ પટેલ સમક્ષ મારા દસ્તાવેજની માગણી કરી હતી, જેની તેમણે અનેક વાર અવગણના કરી તથા તેમના અંતિમ સંદેશામાં સોસાયટીના ચૅરમૅને દસ્તાવેજો કોઈને આપવાની મનાઈ કરી હોવાનું જણાવ્યું હતું. આ સંબંધે મારા વકીલને પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે આ પ્રકારે દસ્તાવેજો બંધનમાં રાખી ન શકે એ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટીઝ ઍક્ટ, ૧૯૬૦નું ઉલ્લંઘન ગણાય.

અન્ય આરોપો 
ફરિયાદીઓએ જણાવ્યું હતું કે ‘સોસાયટીની કમિટીએ પરવાનગી વિના ઑફિસ રિપેર કરાવી, ઘરમાલિકોના દસ્તાવેજો અન્યત્ર ખસેડવા તથા એનો ખર્ચ સોસાયટીના રિપેર ફન્ડમાંથી એસજીએમમાં પાછલી તારીખથી મંજૂર કર્યો, ઘરમાલિકોની મંજૂરી વિના તેમનાં પ્રૉપર્ટી પેપર્સ ગુમ કરવાં, મીટિંગની સદંતર બનાવટી મિનિટ્સ તૈયાર કરવી જેવા અનેક આક્ષેપ કરાયા છે. આ બધું લગભગ છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યું છે.’

સિદ્ધાર્થે જણાવ્યું કે સોસાયટીમાં નાનામાં નાના પ્લૉટની કિંમત એક કરોડ ડૉલર જેટલી છે. સોસાયટીમાં આવા ૩૦ પ્લૉટ્સ છે, જેની સહિયારી કિંમત ૩૦૦૦ કરોડ ડૉલર કરતાં વધુ થાય છે. એક પણ પેપર ખોવાઈ જાય તો તેની મિલકતના ટાઇટલ અને વેચાણક્ષમતા પર નકારાત્મક અસર પડી શકે છે એવો આક્ષેપ કરતાં સિદ્ધાર્થે ઉમેર્યું કે મે મહિનાની ૨૨ તારીખે સોસાયટી ઑફિસના નવીનીકરણ માટે મીટિંગ યોજાઈ હતી, જ્યારે એ કામ તો ક્યારનું શરૂ થઈ ચૂક્યું હતું. આનો ખર્ચ સોસાયટી પાસેથી જ લેવાનો હોવાનું જાણવા છતાં પાછળની તારીખથી મીટિંગ યોજીને ૧૦૦ ચોરસ ફુટ જેટલી નાની જગ્યા માટે ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કર્યો હતો. મહત્ત્વની બાબત એ છે કે મીટિંગની નોટિસ અમને આપવામાં આવી ન હોવા છતાં એની કૉલમમાં અમારા સ્થાને અન્ય કોઈકે સહી પણ કરી હતી. સિદ્ધાર્થ ઉપરાંત અન્ય સભ્યોએ પણ ડેપ્યુટી રજિસ્ટ્રારમાં સોસાયટી વિરુદ્ધ ફરિયાદ કરી છે.

૨૦૨૧નો તપાસ-અહેવાલ શું કહે છે?
ઇન્ક્વાયરી ઑફિસર શિવાજી શિંદેએ સોસાયટીની મૅનેજિંગ કમિટીને ચાર વખત નોટિસ મોકલાવી હતી, પરંતુ એમાંનું કોઈ પણ મીટિંગમાં આવ્યું નહોતું. શરૂઆતથી જ તેમનું વલણ અસહકારી રહ્યું છે. હાઉસિંગ સોસાયટી એક જાહેર સંસ્થા હોવાથી એ સ્થાપિત કાયદાઓનું પાલન કરીને જ કામ કરી શકે છે. સોસાયટી ફન્ડમાંથી કરાતો ખર્ચ પણ કાયદાનું પાલન કરીને તથા તમામ સભ્યોની મંજૂરી લઈને કરવો જોઈએ.

સોસાયટીની મૅનેજિંગ કમિટીના અધ્યક્ષ અતુલ બારોટે કહ્યું કે મને આ વિશે કોઈ માહિતી નથી તથા મૅનેજિંગ કમિટીના સેક્રેટરી જ આનો ઉત્તર આપી શકશે. જ્યારે સોસાયટીના સેક્રેટરી ગૌતમ પટેલ ગોવા ગયા છે અને વૉટ્સઍપ-મેસેજ દ્વારા નાદુરસ્ત તબિયતને કારણે ત્રણ દિવસ પછી સંપર્ક કરવાનું કહ્યું હતું.

અધિકારીઓ શું કહે છે? 
કો-ઑપરેટિવ સોસાયટીઝ કે પશ્ચિમ વૉર્ડના ડેપ્યુટી રજિસ્ટ્રાર નીતિન દહીભાતેએ જણાવ્યું હતું કે ‘અમે પહેલાંથી જ તપાસ પૂર્ણ કરી લીધી હતી અને જવાબદારી નક્કી કરી હતી, પરંતુ મૅનેજિંગ કમિટીએ કોર્ટમાં જઈને સ્ટે મેળવ્યો હતો. આ મામલો હવે કોર્ટને આધીન  છે.  

mumbai mumbai news juhu