15 March, 2025 07:14 AM IST | Jalgaon | Rajendra B Aklekar
ટ્રકે મુંબઈ-અમરાવતી એક્સપ્રેસને ટક્કર મારી (તસવીર સૌજન્ય: મિડ-ડે)
મહારાષ્ટ્રના જળગાવ જિલ્લાના બોડવાડ સ્ટેશન નજીક એક ગંભીર દુર્ઘટના ઘટી હતી, જેમાં એક ટ્રકે મુંબઈ-અમરાવતી એક્સપ્રેસને ટક્કર મારી દીધી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી અને યાત્રીઓ સુરક્ષિત રહ્યા હતા.
શૂં છે સમગ્ર ઘટના?
શુક્રવારની સવારે 8:50 વાગ્યે ભુસાવળ અને બડનેરા સેક્શનની વચ્ચે બોડવાડ સ્ટેશન નજીક આ ઘટના બની હતી. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડૉ. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રક ડ્રાઇવરે બંધ રેલવે ક્રોસિંગ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ડૉ. નીલાએ જણાવ્યું: "ટ્રક ચાલક, ક્લીનર અથવા કોઈપણ યાત્રીને કોઈ ઈજા થઈ નથી. ટ્રેનના એન્જિન અથવા કોચને પણ કોઈ નુકસાન થયું નથી. ટ્રેનને થોડો સમય અટકાવ્યા બાદ હવે તે આગળના પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે."
ટ્રેનોમાં હોળી પર હાઈ એલર્ટ
રાજ્ય રેલવે પોલીસ (GRP) અને રેલવે સુરક્ષા દળ (RPF)એ જાહેર કર્યું છે કે રેલવે પરિસરમાં પાણીના ફુગ્ગા ફેંકી અવ્યવસ્થાપન કરનાર અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. GRP કમિશનર રવિન્દ્ર શિસવેએ જણાવ્યું કે, "અમારા વાર્ષિક હોળી સુરક્ષા અભિયાનના ભાગરૂપે અમે આ વર્ષે પણ વિશેષ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. શુક્રવારના રોજ સ્ટેશનો અને ટ્રેનોમાં વરદીઓમાં સજ્જ કર્મચારીઓની હાજરી વધારવાનો નિર્ણય કર્યો છે. અમારી ટીમો ટ્રેન-થી-ટ્રેનમાં જઈને તપાસ કરશે અને કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા માટે સતર્ક રહેશે." તેમણે વધુમાં જણાવ્યું કે, "પાણીના ફુગ્ગા ફેંકવા અત્યંત ખતરનાક છે. આવું કરવાથી ટ્રેનના દરવાજા પર ઉભેલા વ્યક્તિને ઇજા થઈ શકે છે"
હૉટસ્પોટ વિસ્તારમાં કડક કાર્યવાહી
GRPના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, "અમે ખતરાના હૉટસ્પોટ વિસ્તારોની ઓળખ કરી છે. ખાસ કરીને મધ્ય રેલવેના સાયન, વડાલા અને કુર્લા જેવા વિસ્તારો તેમજ પશ્ચિમ રેલવેના બાન્દ્રા અને માહિમ વિસ્તારમાં આવાં કિસ્સાઓ વધુ જોવા મળે છે." તેમણે વધુમાં જણાવ્યું કે, "આ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ હોળી નિમિત્તે ટ્રેનોમાં પાણીના ફુગ્ગા ફેંકશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."
કાયદાકીય કાર્યવાહી
કાયદા મુજબ, રેલવે યાત્રીને નુકસાન પહોંચાડવા અથવા ગુંડાગીરી કરવા માટે દંડ અથવા કેદની સજા થઈ શકે છે. રેલવે અધિનિયમ, 1989ની કલમ 145 હેઠળ રેલવે પરિસરમાં દુષ્કૃત્ય કરવું, નશાની હાલતમાં અશ્લીલ વર્તન કરવું કે રેલવે સુવિધાઓને નુકસાન કરવું કાયદેસર ગુનો ગણવામાં આવે છે. RPFના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું: "અમે હાલ અલર્ટ મોડ પર છીએ અને અમારા દળ દ્વારા વિવિધ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ. અમારી પ્રાથમિકતા અમારી યાત્રીઓની સલામતી છે અને અમે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યા છીએ."