મુંબઈ-અમદાવાદ હાઇવે પરની હોટેલમાં ટ્રક-ડ્રાઇવર પર હુમલો

06 April, 2026 07:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભુલાઈ ગયેલી ચાવી પાછો લેવા ગયો અને થઈ મોકાણ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર આવેલી એક હોટેલમાં નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. હોટેલના કર્મચારીઓ અને અન્ય લોકોએ કરેલા હુમલામાં ૩૦ વર્ષનો ટ્રક-ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો છે. આ હુમલા દરમ્યાન ડ્રાઇવર પર પેટ્રોલ છાંટવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ પણ થયા છે.

શનિવારે સાંજે પાલઘર નજીકના વાડામાં આવેલી જય અંબે હોટેલમાં આ ઘટના બની હતી. ટ્રક-ડ્રાઇવર જમવા માટે હોટેલમાં ગયો હતો અને જમ્યા બાદ હોટેલની બહાર નીકળી ગયો હતો, પરંતુ થોડી વારમાં તેને ખ્યાલ આવ્યો કે તે ટ્રકની ચાવી અંદર ભૂલી ગયો છે.

ચાવી લેવા પાછો આવ્યો ત્યારે હોટેલના સ્ટાફ સાથે તેને કોઈક બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય વિવાદ જોતજોતાંમાં વકર્યો હતો અને ત્યાં હાજર કેટલાક લોકોએ ડ્રાઇવર પર લાકડીઓ અને અન્ય હથિયાર વડે હુમલો કર્યો હતો. ગંભીર બાબત એ છે કે હુમલાખોરોએ તેના પર પેટ્રોલ છાંટીને બાળી મૂકવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જણાયું છે.

આ મામલે મનોર પોલીસે હોટેલના બે મૅનેજરની અટકાયત કરી છે.

mumbai news mumbai ahmedabad national highway Crime News mumbai crime news