07 October, 2026 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જપ્ત કરવામાં આવેલાં કેળાંમાં ૧૯૮ કિલો સુંદરી કેળાં, ૫૯૮ કિલો ઇલાયચી કેળાં તથા ૬૯૮ કિલો ખટ્ટા-મીઠા જાતનાં કેળાંનો સમાવેશ થાય છે.
ભેળસેળયુક્ત દૂધ અને નકલી પનીર જેવી અનેક ફૂડ-આઇટમ્સ બાદ હવે રસાયણથી કૃત્રિમ રીતે ઉગાવવામાં આવેલાં કેળાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ને મળી આવ્યાં છે. FDA દ્વારા મંગળવારે નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના ફળબજારમાં રેઇડ પાડીને ૧૩૯૪ કિલો કેળાંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેળાં રસાયણનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે ઉગાવવામાં આવ્યાં હોવાનું FDAએ જણાવ્યું હતું. જપ્ત કરવામાં આવેલાં કેળાંની કિંમત ૬૭,૮૧૪ રૂપિયા હોવાની માહિતી FDAએ બહાર પાડેલી સત્તાવાર અખબારી યાદીમાં આપી હતી.
જપ્ત કરવામાં આવેલાં કેળાંમાં ૧૯૮ કિલો સુંદરી કેળાં, ૫૯૮ કિલો ઇલાયચી કેળાં તથા ૬૯૮ કિલો ખટ્ટા-મીઠા જાતનાં કેળાંનો સમાવેશ થાય છે. આ કેળાંને BTHILEX જેને ઇથેફોન પણ કહેવાય છે એ રસાયણનો ઉપયોગ કરીને પકવવામાં આવ્યાં હતાં. આ કેળાંને જપ્ત કરીને એના નમૂનાઓને વધુ તપાસ માટે મોકલાવી દેવામાં આવ્યાં છે તથા સંબંધિત ફળ વેચનારા વિરુદ્ધ APMC પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ FDAની તથા ભારતીય ન્યાય સંહિતા (BNS) ઉપરાંત અન્ય કાયદાઓની કલમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કૅલ્શિયમ કાર્બાઇડ જેવાં રસાયણોનો ઉપયોગ કરીને ફળો-શાકભાજી ઉગાડવા પર પણ પ્રતિબંધ છે ત્યારે ઇથેફોનનો ઉપયોગ કરવો ખૂબ જ જોખમી છે. ઇથેફોનનો અમુક અંશ ફળો-શાકભાજી પર રહી જાય છે અને એને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે.