માફી નથી માગવાના? તો ધરપકડ કરો

15 March, 2025 07:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કેરલામાં RSS અને BJP વિરુદ્ધ કરેલાં નિવેદનોનો વિવાદ વકરી રહ્યો છે

તુષાર ગાંધી

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિરોધમાં તેમણે જે નિવેદનો આપ્યાં છે એને તેઓ પાછાં પણ નહીં લે અને એના માટે માફી પણ નહીં માગે. આને પગલે RSS  અને BJP બન્નેએ માગણી કરી છે કે તુષાર ગાંધીએ જે કહ્યું છે એના માટે તેમની ધરપકડ કરવામાં આવે. 

તિરુવનંતપુરમમાં દિવંગત ગાંધીવાદી પી. ગોપીનાથન નાયરની પ્રતિમાના અનાવરણ વખતે તુષાર ગાંધીએ RSS અને BJPને ખતરનાક અને કપટી શત્રુ ગણાવ્યા હતા, જે કેરલામાં પ્રવેશ કરી ચૂક્યા છે. તેમણે RSSને ઝેરની ઉપમા આપી હતી. આ ઘટના બાદ RSS અને BJPના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો અને તુષાર ગાંધીની કાર રોકી દીધી હતી.

કોચીની પાસે આવેલા અલુવામાં તુષાર ગાંધીએ કહ્યું હતું કે ‘આ ઘટનાએ ગદ્દારોના ચહેરા બહાર પાડવાના મારા સંકલ્પને મજબૂત કર્યો છે. આ એવી લડાઈ છે જે આઝાદીથી પણ વધારે જરૂરી છે. હવે આપણો એક જ દુશ્મન છે સંઘ, એને બેનકાબ કરવો જોઈએ. મને એ ચિંતા છે કે મારા પરદાદાના હત્યારાઓના વંશજ મહાત્મા ગાંધીની પ્રતિમાની પાસે જશે અને એના પર ગોળીઓ ચલાવશે, જે કરવાની તેમની આદત છે.’

BJPના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન વી. મુરલીધરને આ મુદ્દે આરોપ લગાવ્યો હતો કે ‘તુષાર ગાંધી ઘણાં વર્ષોથી ગાંધીજીના નામને આર્થિક ફાયદા માટે વાપરી રહ્યા છે. તેમની ધરપકડ કરવામાં આવવી જોઈએ.’

mumbai news mumbai bharatiya janata party rashtriya swayamsevak sangh maharashtra political crisis political news kerala