બોરીવલીની આઇડેન્ટિકલ ટ્‍વિન્સ બહેનોને મળ્યા એકસરખા ૯૯.૪ પર્સન્ટેજ

07 May, 2024 08:37 AM IST  |  Mumbai | Dipti Singh

૧૨મા ધોરણ બાદ JEE ક્લિયર કરી તેમને મુંબઈની IITમાં એન્જિનિયરિ‍‍‍‍ંગ કરવું છે

મમ્મી-પપ્પા નેહા અને પારસ સાથે તેમની દીકરીઓ જિલ અને જિયા. તસવીર - કીર્તિ સુર્વે પરાડે

ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)ની દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં બોરીવલીની આઇડેન્ટિકલ ટ્‍વિન્સ જિલ અને જિયા શાહને ટોટલ માર્ક પણ આઇડેન્ટિકલ મળ્યા છે અને એથી તેમની ખુશાલીનો પાર નથી. તેમની માર્કશીટમાં વિવિધ વિષયના માર્કમાં થોડો ફેર છે, પણ તેમને ઓવરઑલ એકસરખા ૯૯.૪ ટકા માર્ક મળ્યા છે. એકસરખા માર્ક મળવાની ખુશાલી દર્શાવતાં જિયાએ કહ્યું હતું કે ‘અમે ધાર્યું હતું કે અમને સરખા માર્ક મળશે, જોકે આમ તેમ થોડો ફરક હશે. જોકે અમને એકસરખા પર્સન્ટેજ મળ્યા છે એ માત્ર અમારા માટે જ નહીં, પણ અમારા પેરન્ટ્સ માટે પણ સરપ્રાઇઝ છે.

બીજી તરફ જિલ ઉમેરે છે કે ભૂતકાળમાં સ્કૂલમાં અમને ક્યારેક સરખા માર્ક મળતા હતા, પણ બોર્ડની પરીક્ષામાં એકસરખા માર્ક મળ્યા એ અમારી ધારણા કરતાં પણ સારું છે. આ આઇડેન્ટિકલ ટ્‍વિન્સને માત્ર માર્ક એકસરખા મળ્યા છે એવું જ નથી, તેમના શોખ પણ એકસરખા છે. જિયાએ કહ્યું હતું કે ‘અમને બેઉને વાંચનનો જબરો શોખ છે અને એકદમ નાની ઉંમરથી આ શોખ કેળવ્યો છે. એનાથી અમને નવું-નવું શીખવાનું અને જાણવાનું મળે છે. વધુમાં અમને બન્નેને બૅડ્‍મિન્ટન અને ફુટબૉલ રમવાનું અને જોવાનું બહુ ગમે છે.’

રોજના સ્ટડી રૂટીન વિશે બોલતાં જિલે કહ્યું હતું કે ‘અમે ક્યારેય એકબીજાને પ્રતિસ્પર્ધી તરીકે જોયાં નથી. અમારું ધ્યેય પોતાની જાતે જ શીખવાનું રાખ્યું હતું. અમે નિયમિત રીતે અભ્યાસ કરતાં હતાં અને વચ્ચે-વચ્ચે થોડા બ્રેક લેવાનું ચૂકતાં નહોતાં. માત્ર નિયમિત સ્ટડી થાય એટલું જ નહીં, પણ અમે ઊંઘ પણ પૂરતી લેતાં હતાં. અમારું ધ્યેય ખોટા-ખોટા પ્રેશરને ટાળવાનું હતું. અમારા પેરન્ટ્સે પણ અમને સમજાવ્યું હતું કે અયોગ્ય તણાવ અને ટેન્શન નકામા છે અને એ હોવા ન જોઈએ.

બેઉ બહેનોને ICSE બોર્ડમાં એકસરખા માર્ક મળ્યા છે અને હવે ઉચ્ચ અભ્યાસમાં પણ તેઓ સરખી રીતે આગળ વધવા માગે છે. ૧૨મા ધોરણની પરીક્ષા બાદ તેઓ બન્ને બહેનો જૉઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE)માં બેસવા માગે છે અને મુંબઈની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી (IIT)માં ઍડ્‍મિશન લેવા માગે છે. હાલમાં તેઓ કાંદિવલીમાં ઍલન કરીઅર ઇન્સ્ટિટ્યૂટની ઇન્ટિગ્રેટેડ જુનિયર કૉલેજમાં ઍડ્‍મિશન લેશે. આ સંદર્ભમાં જિયાએ જણાવ્યું હતું કે ‘અમને બેઉને ફિઝિક્સ અને મૅથેમૅટિક્સ બહુ ગમે છે. આથી અમે મુંબઈની IITમાં એન્જિનિયરિંગ કરવા માગીએ છીએ. આથી અમારું હાલનું ફોકસ JEE મેઇન્સ અને JEE ઍડ્વાન્સ પરીક્ષા છે. જોકે કઈ સ્પેસિફિક સ્ટ્રીમની પસંદગી કરીશું એ હજી નક્કી નથી. અમારા JEEના સ્કોર પર એનું ભાવિ નક્કી થશે.’શું બેઉ બહેનો એક જ એન્જિનિયરિંગ કોર્સની પસંદગી કરશો એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે એ શક્ય છે.

mumbai news Education borivali