21 July, 2026 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
AI ઇમેજ
ચેમ્બુરમાં રહેતા અને ઘાટકોપર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ક્લર્ક તરીકે નોકરી કરતા ૬૯ વર્ષના વિવેક શાહ શનિવારે સાંજે ઑફિસથી નીકળીને ઘાટકોપર-વેસ્ટના અમૃતનગર વિસ્તારમાંથી ચાલતા ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં બે ગઠિયામાંથી એકે ‘મને ઓળખ્યો? હું તમને રોજ જોઉં છું, મારું નામ સુભાષ શેઠ છે’ એમ કહીને તેમને અટકાવ્યા હતા. વિવેકભાઈનો આરોપ છે કે આ બન્ને ગઠિયાઓએ તેમને વાતોમાં ભોળવીને હિપ્નોટાઇઝ કરી દીધા હતા અને તેમની પાસેથી આશરે અઢી લાખ રૂપિયાના દાગીના પડાવી લીધા હતા. આ ચોંકાવનારી ઘટના વિશે રવિવારે પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરવા માટે નજીકના વિસ્તારમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.
વિવેક શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યે હું ઑફિસથી નીકળીને LBS રોડ પરથી પગપાળા ઘરે જઈ રહ્યો હતો ત્યારે અભિનંદન હોટેલ સામે બે લોકો મારી પાસે આવ્યા હતા અને એમાંના એકે ‘મને ઓળખ્યો? હું તમને રોજ જોઉં છું, મારું નામ સુભાષ શેઠ છે’ એમ કહી જૂની ઓળખાણ હોવાનો ડોળ કરીને મને વાતોમાં ગૂંચવી દીધો હતો. તેમણે એવી રીતે વાત કરી કે જાણે મને પહેલેથી ઓળખતા હોય. આ વાતો દરમ્યાન મારી સાથે કંઈક એવું કર્યું કે હું ૨૦ મિનિટ સુધી ભાન ભૂલી ગયો હતો. એનો લાભ ઉઠાવીને તેમણે મારા હાથમાંથી સોનાની ૪ વીંટીઓ કાઢી લીધી હતી, જેમાંથી બે વીંટી તો હું છેલ્લાં ૩૦ વર્ષથી પહેરી રહ્યો હતો. એટલાથી ન અટકીને તેમણે મારા ખિસ્સામાં રાખેલી ૨૦,૨૦૦ રૂપિયાની રોકડ રકમ પણ સેરવી લીધી હતી. મને જ્યારે થોડું ભાન આવ્યું ત્યારે બન્ને જણ ચા પીને આવીએ છીએ એમ કહીને સંઘાણી જંક્શન તરફ રફુચક્કર થઈ ગયા હતા. આમ આ બન્ને ગઠિયાઓ મારી ૪ વીંટી અને રોકડા રૂપિયા મળીને આશરે અઢી લાખ રૂપિયાની માલમતા સેરવી ગયા હતા.’
જબરદસ્તીથી વીંટીઓ કાઢવાનાં નિશાન દેખાતાં પોલીસને હિપ્નોટાઇઝની શંકા
પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્ને આરોપીઓએ ફરિયાદીને હિપ્નોટાઇઝ કરીને દાગીના અને રોકડ રકમ પડાવ્યાં હોવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે ફરિયાદીની આંગળીઓ પરથી જે રીતે જબરદસ્તીથી વીંટીઓ કાઢવામાં આવી છે એનાં નિશાન હજી પણ તેમના હાથ પર દેખાઈ રહ્યાં છે. જો તેઓ પૂરા ભાનમાં હોત તો તેમણે આ વીંટીઓ ક્યારેય આસાનીથી કાઢવા દીધી ન હોત. આ સમગ્ર કેસમાં અમે આરોપીઓની ઓળખ કરવા માટે આગળની સઘન તપાસ કરી રહ્યા છીએ.’