06 March, 2025 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના ખારઘરમાં સેક્ટર ૧૦માં આવેલી બ્લૅક ફૉરેસ્ટ રેસ્ટોરાં ઍન્ડ લાઉન્જના માલિક કમલ શાહને બ્લૅકમેઇલ કરીને ૫૦,૦૦૦ રૂપિયા પડાવવા માગતા શાદાબ બેગ અને નદીમ અન્સારીની મંગળવાર રાતે ખારઘર પોલીસે ધરપકડ કરી હતી. શાદાબે બ્લૅક ફૉરેસ્ટ રેસ્ટોરાંમાં કેટલીક ચીજો ગેરકાયદે હોવાની ફરિયાદ સ્થાનિક પાલિકા અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં કરી હતી. આ ફરિયાદ પાછી લેવા માટે ૫૦,૦૦૦ રૂપિયાની માગણી કરી કમલને બ્લૅકમેઇલ કર્યો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. આ માહિતીના આધારે ખારઘર પોલીસે મંગળવારે રાતે છટકું ગોઠવી પૈસા લેવા આવેલા આરોપીને પકડી પાડ્યા હતા.
આરોપી ફરિયાદીને બ્લૅકમેઇલ કરવા પોલીસ-કન્ટ્રોલ પર રોજ ૧૦થી ૧૫ ફોન કરતો હતો એમ જણાવતાં ખારઘર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દીપક સુર્વેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બ્લૅક ફૉરેસ્ટ રેસ્ટોરાંમાં હુક્કા પણ ગ્રાહકોને આપવામાં આવે છે. એની પરમિશન રેસ્ટોરાં-ઓનર પાસે ન હોવાનો દાવો કરી શાદાબે અમારી પાસે ઉપરાંત પાલિકાને અનેક ફરિયાદો કરી હતી. એટલું જ નહીં, રેસ્ટોરાંના ઓનરને બ્લૅકમેઇલ કરવા પોલીસ-કન્ટ્રોલમાં પણ તેણે ફરિયાદ કરી હતી. આ દરમ્યાન પોતાની ફરિયાદ પાછી લેવા માટે શાદાબે ૫૦,૦૦૦ રૂપિયાની માગણી રેસ્ટોરાં-ઓનર પાસે કરી હતી. એની સામે રેસ્ટોરાંના ઓનરે તેને ૧૦,૦૦૦ રૂપિયા આપી જાન છોડાવવાનું નક્કી કર્યું હતું. જોકે શાદાબે ૧૦,૦૦૦ રૂપિયા સ્વીકારીને થોડા દિવસો પછી પાછી ફરિયાદ કરવાની શરૂ કરી દીધી હતી. આ સમયે શાદાબે પૂરા ૫૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. અંતે ફરિયાદીએ અમને માહિતી આપતાં અમે છટકું ગોઠવી પૈસા સ્વીકારતા આરોપીની રંગેહાથ ધરપકડ કરી હતી. આરોપીએ નવી મુંબઈના બીજા વિસ્તારમાં પણ આ રીતે નાગરિકોને પરેશાન કર્યા હોવાની પૂરેપૂરી શક્યતા છે. હાલ અમે આ કેસમાં વધુ તપાસ કરી રહ્યા છે.’