01 December, 2025 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
CCTV કૅમેરાના ફુટેજમાં કેદ થયેલા આરોપી.
ઘાટકોપર-ઈસ્ટના પટેલ ચોકમાં ભાનુશાલી મોબાઇલ પૉઇન્ટમાંથી સાડા ત્રણ લાખ રૂપિયાના મોબાઇલ અને સવા લાખ જેટલી કેશની ચોરી કરનારા બે આરોપીઓની પંતનગર પોલીસે પુણેમાંથી ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ ૪૧ વર્ષના હિતેશ સોલંકી અને ૩૯ વર્ષના મોહમદ ખાન તરીકે થઈ છે.
૧૬ નવેમ્બરે રાતે આ બન્ને આરોપીઓએ દુકાનની છત તોડીને મોબાઇલ અને રોકડની ચોરી કરી હતી. દુકાનના માલિક અનિલ ભાનુશાલીએ પંતનગર પોલીસ-સ્ટેશનમાં આ વિશે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને આરોપીઓને ઓળખી કાઢ્યા હતા અને પછી તેમનું પગેરું મેળવ્યું હતું. સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે પુણેમાંથી બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી મળેલી માલમતા અત્યારે પોલીસે જપ્ત કરી છે.
પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘CCTV કૅમેરાનાં ફુટેજમાં આરોપીઓનું પગેરું મળ્યું હતું. આરોપીઓએ ઘાટકોપરથી સાયન રેલવે-સ્ટેશન ટૅક્સીમાં મુસાફરી કરી હતી. ત્યાર બાદ સાયન રેલવે-સ્ટેશનથી બીજી ટૅક્સી પકડીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ગયા હતા અને ત્યાંથી ફરી ટૅક્સી બદલીને આરોપીઓ નવી મુંબઈ તરફ જતા જોવા મળ્યા હતા. અંતે આરોપી હિતેશ સોલંકીની પુણેના ભોસરી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી માહિતી લઈને બીજા આરોપી મોહમ્મદ ખાનને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બન્ને આરોપીઓ સામે મુંબઈ ઉપરાંત પુણેમાં પણ ચોરીના કેસો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.’