12 May, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેન્ટ્રલ રેલવેના ઠાકુરવાડી સ્ટેશન પાસેના ટ્રૅક નજીકથી ગયા મહિને પિન્ક સૂટકેસમાં ધનલક્ષ્મી રેડ્ડી નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.
ગયા મહિને ૧૫ એપ્રિલે સેન્ટ્રલ રેલવેના ઠાકુરવાડી સ્ટેશન પાસેના ટ્રૅક નજીક પિન્ક કલરની એક ટ્રાવેલ-બૅગ મળી આવી હતી. આ બૅગની તપાસ કરતાં એમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતાં પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. ટ્રાવેલિંગ બૅગ ચાલતી ટ્રેનમાંથી ફેંકવામાં આવી હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાયગડની નેરળ અને કર્જત પોલીસ ઉપરાંત કર્જત રેલવે પોલીસે મુંબઈનાં દાદર, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશનના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ચકાસ્યા હતા. લોકમાન્ય તિલક ટર્મિનસ પર ૧૫ એપ્રિલે રાત્રે દસ વાગ્યે એક પ્રવાસી પિન્ક કલરની ટ્રાવેલિંગ બૅગ ખૂબ મહેનતથી ખેંચતો જોવા મળ્યો હતો. આથી આ યુવક પર શંકા જતાં તે મુંબઈથી કોઇમ્બતુર જનારી ટ્રેનમાં પ્રવાસ કરીને બૅન્ગલોર ગયો હોવાનું જણાતાં પોલીસ મોબાઇલ નંબરના આધારે લોકેશન પર પહોંચી હતી. પોલીસે આંધ્ર પ્રદેશની ૩૪ વર્ષની ડબલ ગ્રૅજ્યુએટ ધનલક્ષ્મી એરપ્પા રેડ્ડી ઉર્ફે બિંદુની હત્યા કરીને તેના મૃતદેહને સૂટકેસમાં નાખીને ફેંકી દેવાના આરોપસર તેનાં આંધ્ર પ્રદેશનાં જ ફ્રેન્ડ્સ ૩૪ વર્ષના વિજયકુમાર વેન્કટેશ અને ૨૪ વર્ષની યશસ્વિની રાજાની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે કે ત્રણેય મુંબઈના પવઈમાં એકસાથે રહીને નોકરી શોધી રહ્યાં હતાં. જીવ ગુમાવનારી ધનલક્ષ્મી રેડ્ડી બહુ કટકટ કરતી હોવાથી તેની હત્યા કરવામાં આવી હતી.
રાયગડના કર્જત પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેન્દ્ર ગરડે
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૫ એપ્રિલથી ૯ મે સુધી મુંબઈ જ નહીં, આંધ્ર પ્રદેશનાં અનેક રેલવે-સ્ટેશનોના ૫૦૦થી વધુ CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસ્યા બાદ પિન્ક કલરની બૅગમાં રેલવેના ટ્રૅક પાસેથી ગયા મહિને મળી આવેલા મૃતદેહનો મામલો ઉકેલવામાં સફળતા મળી હતી. આરોપીઓ વિજયકુમાર વેન્કટેશ અને યશસ્વિની રાજાએ ધનલક્ષ્મી રેડ્ડી બહુ કટકટ કરતી હોવાથી તેની હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. જોકે આવા કારણથી કોઈ હત્યા ન કરે એટલે અમને તેમના દાવામાં બહુ વિશ્વાસ નથી. અમે બન્ને આરોપીની ૧૬ મે સુધીની કસ્ટડી મેળવી છે. આથી પોલીસ-સ્ટેશનમાં તેમની પૂછપરછ કરીને હત્યાનું સાચું કારણ શોધવામાં આવશે.’