12 November, 2026 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ-ટીમ.
મુંબઈમાં એક તરફ તહેવારોનો માહોલ છે તો બીજી તરફ ગુનાખોરીના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. કુર્લા-વેસ્ટમાં આવેલા હલવા પુલ પાસેના માકડવાલા કમ્પાઉન્ડમાં ગઈ કાલે બપોરે ૪૦ વર્ષના વિનોદ પવાર નામના યુવક પર અજ્ઞાત હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને તેની નિર્મમ હત્યા કરી હતી. બાઇક પર આવેલા બેથી ત્રણ હુમલાખોરોએ વિનોદ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આ સનસનાટીભરી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો છે.
પ્રાથમિક તપાસ અનુસાર આ હત્યા અંગત વૈમનસ્ય અને વર્ચસ્વની લડાઈના કારણે થઈ હોવાનું જણાય છે. ઉલ્લેખનીય છે કે માકડવાલા કમ્પાઉન્ડમાં રહેતા પવાર પરિવારનાં બે ગ્રુપો વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને આ જ જૂથવાળા વિવાદમાં ૬ મહિના પહેલાં વિનોદના મોટા ભાઈ બાબા પવારની પણ આ જ રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તાજેતરની ઘટનામાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વિવિધ ટીમો ફરાર હુમલાખોરોને પકડી પાડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે. આ ઘાતકી ઘટના બાદ પરિવારે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવાની માગણી સાથે વિનોબા ભાવે નગર
પોલીસ-સ્ટેશન બહાર ધરણાં-પ્રદર્શન કર્યું હતું. ગઈ કાલે સાંજે મોડે સુધી તમામ આરોપીઓ ફરાર હોવાથી વિસ્તારમાં ભારે તનાવ જોવા મળ્યો હતો.